South GujaratGujarat

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપીની ભુજમાંથી દબોચ્યા

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આ કાર્યવાહીની સ્પષ્ટતા કરવામાં આવી છે. જાણકારી મુજબ, સલમાન ખાનની ઘર બહાર થયેલા ફાયરિંગ કેસમાં બંને બાઈક સવાર આરોપીઓને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ એક ટીમ ગુજરાત ગઈ હતી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જાણકારી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની વાત કરીએ તો વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) નામ સામે આવ્યું છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે.

તમને જણાવી દઈએ કે, રવિવાર સવારના સમયે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઈક સવારો દ્વારા હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બંને શૂટરો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને નાસી ગયા હતા. બંનેએ તે સમયે હેલ્મેટ પહેર્યું હતું. ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળ્યા હતા. એક ગોળી એપાર્ટમેન્ટની બાલ્કનીની જાળીમાંથી પણ પસાર થઈ હતી. સલમાન ખાન અવારનવાર આ બાલ્કનીમાંથી પોતાના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કરતો રહે છે. જયારે તપાસ દરમિયાન ત્યાંથી બુલેટના શેલ પણ મળી આવ્યા છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સલમાનના ઘરની બહાર ગોળીબાર કરીને શૂટરો બાઈક પર બ્રાંડાના માઉન્ટ મેરી ચર્ચ તે પહોંચ્યા હતા. બાઇકને ત્યાં જ છોડી દીધી હતી અને થોડે દૂર ચાલીને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર ઓટોરિક્ષામાં બેઠા હતા. તેના પછી તેઓ બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચઢ્યા હતા, પરંતુ સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા હતા. આ તમામ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ દેખાયા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાંચ સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને સતત શોધવામાં આવી રહ્યા હતા. આ સિવાય સાયબર ટીમ પાસેથી ડમ્પ ડેટા પણ કાઢવામાં આવ્યો હતો કે, બંને આરોપીઓ ભુજમાં હોવાની ચોક્કસ જાણકારી મળી હતી. કારણ કે આ અંગે શંકા કરવામાં આવી હતી કે, આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ગોળીબાર કરવામાં આવી શકે છે. આરોપીઓ પ્રોફેશનલ ગુનેગારો રહેલા છે, તેથી પોલીસ દ્વારા સાવચેતી રાખવામાં આવી અને સ્થાનિક પોલીસની ટીમને પણ સાથે લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરની આગેવાનીમાં એક ટીમ ભુજ પહોંચી ગઈ હતી. એવામાં અંતે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.