રસ્તા પર કેટલાક નબીરાઓ વાહન ચલાવતી વખતે જોખમી સ્ટંટ કરીને પોતાની સાથે સાથે અન્ય લોકોનું જીવન પણ જીખમમાં મુકતા હોય છે. આવા અનેક નબીરાઓને પોલીસે પાઠ પણ ભણાવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસે વધુ એક સ્ટંટ કરનાર નબીરાને પાઠ ભણાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોખમી સ્ટંટ કરનાર આરોપીઓને પોલીસે એક પ્લેકાર્ડ પકડાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે ‘મર્સિડીઝ મારા બાપની છે પણ રોડ મારો નહીં.’ આ સિવાય પોલીસે નબીરોએ પાસે રિકન્સ્ટ્રક્શનનું કામ પણ કરાવ્યું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર કારમાં જોખમી સ્ટંટ કરવાની બાબત સામે આવી છે. આ ખતરનાક સ્ટંટનો વીડિયો ફેબ્રુઆરી મહિનામાં વાઇરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ત્યારે વાઇરલ વીડિયોની તપાસ હાથ ધરીને સરખેજ પોલીસ દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બીજી 3-4 જેટલી કારમાં પણ કાચ ખોલી યુવાનો મોટા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડતા દેખાઈ રહ્યા હતા. ત્યારે સરખેજ પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે ફરિયાદ નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ જે કારમાં સ્ટંટ કરવામાં આવ્યો હતો તે કારને પણ પોલીસે પણ જપ્ત કરી છે.
તમને જણાવી દઈએ કે, આ ઘટનાના મુખ્ય આરોપી એવા જુનેદ મિર્ઝાને પોલીસે ઝડપી પાડ્યો છે. અને જુનેદ મિર્ઝાને પાઠ ભણાવવા માટે સિંધુભવન રોડ પર તેની સાથે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નોંધનીય છે કે, સિંધુભવન રોડ પર ફેબ્રુઆરી મહિનામાં ચાર કારમાં જોખમી સ્ટંટ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ સમગ્ર મામલે ચાર્જશીટ ફાઈલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.