ખાખી વર્દી એટલે કે પોલીસને લોકો અલગ અલગ રીતે જુએ છે. જયારે ઘણા લોકો પોલીસથી દૂર રહેવાનું જ પસંદ કરતા હોય છે. ત્યારે હવે પોલીસ લોકો સાથે વધુ સંપર્ક કરી શકે અને લોકોને વધુને વધુ મદદ કરી શકે તે માટે સુરત પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. જેનું નામ છે ‘મુસાફીર હું યારો’…
જો કે સુરત પોલીસ દ્વારા ‘મુસાફીર હું યારો’ અભિયાન શરૂ કર્યું છે જેથી લોકો તેમને તેમના મિત્રો સમજે. સુરત પોલીસ દ્વારા આ ‘મુસાફીર હું યારો’ અભિયાન શહેરના ઝોન 3 વિસ્તારમાં શરૂ કર્યું છે. જેથી તેઓ સમાજ સેવા અને લોકોને મદદ કરી શકે. અને ખરેખરમાં આ ‘મુસાફીર હું યારો’ અભિયાન રંગ લાવી રહ્યું છે. અને લોકોને મદદે પણ આવી રહ્યું છે. ત્યારે હાલમાં જ એક એવા સમાચાર આવ્યા છે જેને જાણીને તમે પણ તમારા આંસુ રોકી શકશો નહિ.
જો કે સુરત શહેરમાં એક વૃદ્ધનું 25 વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન થયું છે. જે સુરત પોલીસે ‘મુસાફીર હું યારો’ અભિયાન હેઠળ આ વૃદ્ધનું 25 વર્ષ બાદ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. નોંધનીય છે કે સુરત શહેરના પોલીસ ઝોન 3ના અધિકારી પીનાકીન પરમાર તેમના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન, સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફિર હું યારો નામનું અભિયાન શરૂ કર્યું છે.
‘મુસાફીર હું યારો’ અભિયાન હેઠળ પોલીસ દ્વારા રસ્તે આમતેમ ફરતા, રખડતાં લોકોની મદદ કરવા માટે પહેલા તેમને પોલીસ સ્ટેશનમાં લઇ જાય છે, અને પછી અહીં તેમને સ્વચ્છ કપડાં પહેરાવી તેમની ઓળખ કરવામાં આવે છે, ત્યારબાદ તેમનું તેમના પરિવાર સાથે મિલાવવાનો તમામ પ્રયાસ કરવામાં આવે છે.
આ દરમિયાન સુરત શહેરના મહિધરપુરા પોલીસ જાણ થઇ હતી કે, અહીં બ્રિજ નીચે એક વૃદ્ધ લાંબા સમયથી રહે છે અને તે લાકડીના સહારે પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે. ત્યારબાદ પોલીસ આ વૃદ્ધને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈને આવી હતી. અને અહીં તેમને પહેલા નવડાવ્યા અને પછી સ્વચ્છ કપડાં પહેરાવ્યા હતા. ત્યારબાદ તેમને ખવડાવીને તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. આ પૂછપરછ દરમિયાન વૃદ્ધે તેમનું નામ મોહમ્મદ ઇલલાઈ મુલ્લા અને તેઓ 65 વર્ષના હોવાનું જણાવ્યું હતું. જેઓ મૂળ મહારાષ્ટ્રના સાંગલીના વતની છે.
જો કે સુરત પોલીસે વૃદ્ધની આટલી જ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. આ માટે પોલીસે મહારાષ્ટ્રના સાંગલીથી સુરત આવતી બસના ડ્રાઇવરો અને કંડકટરનો સંપર્ક કર્યો હતો અને તેમને આ વૃદ્ધનો ફોટોગ્રાફ આપ્યો હતો અને તેમના વિશેની વધુ જાણકારી મળે તો પોલીસને જાણકારી કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ થોડા દિવસો બાદ આ વૃદ્ધના એક દીકરાનો મોબાઈલ નંબર પોલીસને મળ્યો હતો અને તેમનો સંપર્ક સાંધ્યો હતો.
આ અભિયાન હેઠળ પોલીસે સૌપ્રથમ આ વૃદ્ધના ફોટા તેમના દીકરાને મોકલી આપ્યા હતા કે ખરેખર આ વૃદ્ધ તેમના જ પિતા છે નહિ? ત્યારે યુવકે આ વૃદ્ધ તેમના પિતા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેને કહ્યું હતું કે તેમના પિતા 25 વર્ષથી ગુમ થઇ ગયા હતા. દીકરાને પિતાની જાણ થતા તેઓ બીજા જ દિવસે સુરત આવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અહીં પોલીસ સ્ટેશનમાં 25 વર્ષ બાદ પિતા પુત્રનું મિલન થતા પિતા અને પુત્ર વચ્ચેના ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ સ્ટેશનના કર્મચારીથી લઇને તમામ અધિકારીઓ પણ ભાવુક થઈ ગયા હતા. જો કે સુરત પોલીસની ટીમ દ્વારા આ અભિયાન ‘મુસાફીર હું યારો’ દ્વારા અત્યાર સુધીમાં દસથી વધુ લોકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે.