GujaratAhmedabad

આંતરરાષ્ટ્રીય બાળ લેખિકા દિવસ પર જાણો 11 વર્ષની ઉંમરે પુસ્તક લખનાર ગુજરાતની દીકરી વિશે

2 જી એપ્રિલને આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે સુરત શહેરની એક એવી બાળલેખિકાની વાત કરીએ જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું એક અનોખું પુસ્તક લખ્યું હતું. ધોરણ 8માં અભ્યાસ કરતી ભાવિક મહેશ્વરી નામની બાળલેખિકા આટલી નાની ઉંમરે પણ મોતીવેશનલ સ્પીકર તેમજ આધ્યાત્મિક વક્તા તરીકે ખ્યાતનામ છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર આ બાળલેખિકાએ અત્યારસુધીમાં 10,000 જેટલા બાળકોને મોબાઈલ ગેમ્સની માયાજાળ તેમજ મોબાઈલ એડીક્શન અંગે જાગૃત કરી ચૂકી છે. નાના બાળકોમાં સંસ્કારનો એકડો ઘૂંટી પોતાના જેવા બીજા બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ હેતુથી બાળ લેખિકા ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું એક અત્યંત રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, તાજેતરમાં જ તેણે આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને તેમણે મેળવેલી સિદ્ધિઓ ઉપર પણ ‘સંઘર્ષ સે શિખર તક’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની સૌપ્રથમ ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ આ બાળ લેખિકાએ ટીમ મેમ્બર તરીકે પોતાનું યોગદાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાવિકાનો જન્મ વર્ષ ૨૦૦૯માં સુરત શહેરમાં થયો હતો. ભાવિકા હાલ ધોરણ 8માં અભ્યાસ કરે છે. બાળપણથી જ ભાવિકાનો ઉછેર આધ્યાત્મિક વાતાવરણમાં થયો હોવાથી તેને આધ્યાત્મ,ધર્મ અને વેદપુરાણોનું ખૂબ ઊંડું જ્ઞાન પણ મેળવ્યું છે. જેના કારણે આજે તે ‘બાલ રામકથાકાર તેમજ બાલભાગવતકથાકાર’ પણ છે. કોરોનાકાળમાં લોકડાઉન હતું તે સમય દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથો સાથ શ્રીમદ્દ ભગવદ્દ ગીતા તેમજ રામાયણનું પણ ખૂબ અધ્યયન કર્યું હતું. અને ત્યારબાદ ભગવાન રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે માત્ર 11 વર્ષની ઉંમરે રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે 4 જેટલી રામકથાઓ કરીને ₹52 લાખ દાન આપ્યું હતું.

ભાવિકા મહેશ્વરીના જણાવ્યા અનુસાર, તે 5 વર્ષની હતી ત્યારથી જ યુટ્યુબ પર જ્ઞાનવર્ધક વિડિયો નિહાળતી હતી. અને મોટીવેશનલ વિડીયો જોઈને ભાવિકા ત્યાંથી જ પ્રવચન આપવાનું શીખી હતી. ભાવકા ખૂબ અસરકારક રીતે પોતાની આગવી શૈલીમાં લોકોને પોતાની કાલીઘેલી ભાષામાં સમજાવી શકતી હતી.

ભાવિકા જણાવ્યુ હતું કે, તેણે 10 વર્ષની ઉંમરમાં જ તેની ઉંમરના 10,000 કરતા પણ વધુ બાળકોને મોબાઈલના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર જાગૃત્ત કર્યા. ત્યારપછી તેણે પહેલીવાર યુટ્યુબ પર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામના વિષય પર એક વિડિયો સિરીઝ બનાવી હતી. ત્યારે તેના પિતાએ આ વીડિયો સિરિઝને પુસ્તકમાં રૂપે રજૂ કરવા માટે સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શનના કારણે જ “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક ભવિકાએ લખ્યું હતું.

નોંધનીય છે કે, સુરતની લાજપોર સેન્ટ્રલ જેલના 3150 કેદીઓ સમક્ષ ભવિકાએ 5 દિવસની ‘વિચારશુદ્ધિ કથા’ કરી હતી. કોરોનાકાળમાં ભવિકાએ આઈસોલેશન સેન્ટરમાં જઈ પોતાની મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબૂત કર્યું હતું. સાંસદ મનોજ તિવારીના હસ્તે ભવિકાને ‘ગ્લોબલ ઈન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ પણ મળ્યો છે. ભાવિકા માત્ર ગુજરાત જ નહીં પરંતુ હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાગવત કથા, રામકથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.

 

તમને જણાવી દઈએ કે, ભાવિકાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફશ્રી મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૩’ના દિવસે ભવિકાને શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.