લુણાવાડા તાલુકાના હાડોડ ગામથી પસાર થનાર મહીસાગર નદીમાં કાર ખાબકતા એકનું મોત
લુણાવાડા તાલુકાના હાડોડ ગામ પાસેથી પસાર થનાર મહીસાગર નદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, મહીસાગર નદીમાં જૂના પુલ પરથી કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. તેમ છતાં કારમાં અન્ય કેટલી વ્યક્તિ સવાર હતી તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. ઘટનાની જાણકારી મળતા મહીસાગર જિલ્લાની પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં તપાસ હાથ ધરી છે. તેની સાથે કાર નદીના પાણીમાં ગરકાવ થયેલ છે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જ્યારે લુણાવાડા ફાયર વિભાગની ટીમ પણ બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ હાથ શરુ કરી છે.
ઘટનાની જાણકારી મળતા જ લુણાવાડા ફાયર વિભાગની ટીમે બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ શરુ કરી હતી. હાલમાં નદીમાં ખાબકેલી કાર માંથી લુણાવાડાના કાકચિયા ગામના વતની મયૂર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડા ની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કાર લઈને આવતા ચાલક દ્વારા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાના લીધે ત્યાંથી પસાર થતા ચાલક દ્વારા કાબૂ ગુમાવી દેતા બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર આવી જતા કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
નોંધનીય છે કે, મહીસાગર નદી પર તાજેતરમાં લુણાવાડાના હાડોડ ગામમાં કરોડોના ખર્ચે નવીન પુલ બનાવવામાં આવેલ છે. ત્યારે નવો પુલ કાર્યરત હોવા છતાં પણ જૂનો પુલ કેમ શરૂ રાખવામાં આવેલ છે તેને લઈને સવાલ ઉભા થયા છે. બીજી તરફ આ જૂનો પુલ બિલકુલ ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ છે. અહીંયાંથી પસાર થવું ખૂબ જોખમી રહેલ છે. પુલ પર બંને બાજુની કેટલીક આડસ માટેની રેલિંગ તૂટી ગયેલ છે જ્યારે અમુક ભાગમાં તો રેલિંગ જ રહેલ નથી. જ્યારે આ જે બનાવ બન્યો તે ભાગમાં પુલનો સ્લેબ જ તૂટેલ છે. જ્યારે હાલમાં અહીંથી કેટલાક વાહનો બિન્દાસ પસાર થઈ રહ્યા છે જે ખૂબ જ જોખમી સાબિત બની શકે છે. પાલિકા ની ફાયર ટીમ અને ટાઉન PI, Dy. sp સહિતનો કાફલો ઘટનાસ્થળ પર ખડી દેવામાં આવ્યો છે. તેની સાથે નદીમાં ખાબકેલી કારમાં સવાર અન્ય કોઈ હતું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.