GujaratAhmedabad

પદ્મિનીબા વાળાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા અંગે આપ્યું મોટું નિવેદન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભરત બોઘરા દ્વારા પદ્મિનીબા વાળાના રાજીનામા અંગે કરેલા નિવેદનથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા જાડેજાના રાજીનામાને લઈ વિવાદ સર્જાયો છે.

પદ્મિનીબા દ્વારા રાજીનામુ આપ્યુ હોવાનુ અને રાજીનામુ સ્વીકારી લીધુ હોવાનુ ભરત બોઘરા દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ભરત બોઘરાના દાવાને પદ્મિની બા દ્વારા નકારતા ભાજપમાંથી રાજીનામુ આપ્યુ નહી હોવાનુ જણાવવામાં આવ્યું છે. તેમ છતાં તેમણે જણાવ્યું કે, તે લોકો એવું કહેતા હોય છે કે તેમણે રાજીનામું સ્વીકારી લીધુ છે તો મને રાજીનામું આપવામાં કોઇ વાંધો નથી. રૂપાલાના વિવાદ બાદ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના નિવેદનથી વિવાદ ઉગ્ર બને તેવી શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, પુરુષોત્તમ રુપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આગામી 16 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યે પરશોત્તમ રુપાલા ફોર્મ ભરવા જવાના છે, ત્યારે અહીં જાહેર જંગી સભા કરાશે. આ જાહેર સભાના ભાગરૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપના દાવા મુજબ 16 એપ્રિલના બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25 હજાર લોકો પણ હાજર રહેવાના છે. ભાજપ દ્વારા આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે આવ્યા હતા.