AhmedabadGujaratNorth Gujarat

હિંમતનગર: આઈસર નીચે કચડાતાં મહિલા પોલીસકર્મી શીતલ પટેલ અને તેના પતિનું કરૂણ મોત, 7 માસના 2 બાળક નોંધારા બન્યા

પ્રાંતિજના વડવાસા ગામના જીગ્નેશભાઈ તેમના પત્ની સાથે મંગળવારે એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને સોનાસણ ગામે મૂકવા જતા હતા ત્યારે પીપલોદી નજીક આયશર ટ્રકે એક્ટીવાને ટક્કર મારી હતી.અકસ્માતમાં દંપતીનું મોત થઇ જતા પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દંપતીને જોડિયા બાળકો હતા જે હવે નોંધારા બની ગયા છે.

બનાવની વાત કરીએ તો સાંજે સાડા સાત વાગ્યા આસપાસ સર્વીસ રોડ પર જઇ રહેલ જીજ્ઞેશભાઇ પટેલ અને તેમના પત્ની શીતલબેન પટેલને પીપલોદી નજીક આયશરના ચાલકે ટક્કર મારતા જીજ્ઞેશભાઇ રોડ પર પટકાયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ શીતલબેનને 108માં સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

જીગ્નેશભાઈના પત્ની મૃતક શીતલબહેન પટેલ હિંમતનગર બીડીવીઝનમાં ફરજ બજાવતા હતા. આ કરૂણ બનાવની જાણ થતા પોલીસ બેડામાં પણ ગમગીની છવાઇ ગઈ હતી.પોલીસ સ્ટાફે અંતિમ સંસ્કાર અગાઉ સલામી આપી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક દૂર ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.

પણ ઘટના સ્થળેથી 200 મીટર જેટલા અંતરે અંધારામાં એક આયશર મળ્યુ હતુ.તેમાં જમણી બાજુની હેડલાઇટમાં મૃતક શીતલબેનના દુપટ્ટાનો ટુકડો ફસાયેલો હતો જેથી ટ્રકની ઓળખ થઇ હતી.

સાતેક માસ અગાઉ શીતલબહેનને ટ્વીન્સનો જન્મ થતા પરીવારમાં ખુશીનો માહોલ હતો. અકસ્માતમાં મોત નીપજતા 7 માસના બંને બાળકોએ માતા પિતાની છત્ર-છાયા ગુમાવી છે.