SaurashtraGujaratRajkot

પુરૂષોતમ રૂપાલાનો વિરોધ યથાવત, સુરેન્દ્રનગરમાં ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવાનોએ કર્યો હોબાળો

રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદન ને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. એવામાં સુરેન્દ્રનગરથી આવા જ સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં ભાજપ નો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે સમયે સીરામીક ઉદ્યોગ ની ફેક્ટરી માં પ્રવેશ કરવાનો ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સિરામિક ઉદ્યોગની ફેક્ટરી બહાર બંદોબસ્તમાં ઉભેલી પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનોને રોકવામાં આવતા પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ બાબતમાં પોલીસે વિરોધ કરતા 20 થી વધુ યુવકોની અટકાયત કરી હતી

ઘટનાની જાણકારી મળતા નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતની પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર શક્તિ મંદિર ખાતે પ્રતીક ઉપવાસ પર બેઠેલા ક્ષત્રિય સમાજની મહિલાઓ ને મુળી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા. સાત દિવસથી ક્ષત્રિય બહેનો ઉપવાસ પર ઉતરેલી હતી. મુળી અને વઢવાણ રાજવી પરિવાર દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, સંકલન સમિતિ જે નિર્ણય લેશે તેની સાથે અમે ચાલીશું.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાત તારીખના મતદાનમાં એક ક્ષત્રિય સમાજની મહિલા 10 મત ભાજપના તોડશે તે અંગેના શપથ પણ લીધા હતા. કાલથી ક્ષત્રિય સમાજની મહિલાઓ ભાજપ વિરોધમાં પ્રચાર માટે ડોર ટુ ડોરનો કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સુરેન્દ્રનગર ભાજપની ચિંતામાં વધારો થયેલ છે.