આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાની: આજે પણ વરસાદ અને હજુ આવતીકાલે પણ આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આજે પણ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર,જામનગરમાં વરસાદ વરસ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા.ખેડૂતોને અગાઉનું નુકસાન ભરપાઈ નથી થયું ત્યાં નવી આફત સામે આવી ગઈ છે.
આજે જૂનાગઢમાં બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અને મોરબીના હળવદમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ધ્રાંગધ્રાના કોન્ધ ગામમાં 60mm વરસાદ નોંધાયો હતો.ગોંડલ તાલુકાના કેશવાળા અને મેતા ખંભાળીયામાં 25mm વરસાદ નોંધાયો હતો.
કમોસમી વરસાદના કારણે ઘઉં, કપાસ, મગફળી અને જીરાના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશનના કારણે આ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે 15 નવેમ્બરે પણ અમરેલી,અમદાવાદ,ભાવનગર,પાટણમાંહળવો વરસાદ થઇ શકે છે.