AhmedabadGujarat

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો: જૂનાગઢમાં ૧૬ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત, રાજ્યમાં આગામી ૪૮ કલાક હજુ ભારે

રાજયમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1 થી 16 ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.  જયારે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્કવારા રવામાં આવી છે. વરસાદની બે સીસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ વરસ્યો છે. તેના લીધે અનેક રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 2 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. આ સિવાય તેમણે 8 થી 12 જુલાઈ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરી છે.

તેની સાથે બનાસકાંઠાના પાલનપુરમાં મોડી રાત્રીના પડેલા વરસાદને લીધે અમદાવાદ-આબુ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા. હાઇવે પર પડેલ ખાડાઓ ન દેખાતા એક ટ્રકનું વ્હીલ ખાડામાં જતા ટ્રકે પલટી ખાધી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રકે પલટી ખાધી હોવા છતાં ટ્રકડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. પરંતુ તેમાં રહેલ માલ-સામાન પલળી ગયો હતો. જ્યારે  અમદાવાદ-આબુ હાઇવે પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. સામાન્ય વરસાદમાં પણ અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તેની સાથે જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદ લીધે જૂનાગઢ શહેરમાં તેમજ તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે વિસાવદર તાલુકામાં 14 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને લઈને આગાહી કરતા જૂનાગઢમાં રાજ્ય સરકાર દ્વારા NDRF ની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.