GujaratJamnagarRajkotSaurashtra

રાજકોટ-જામનગર હાઈવે પર અકસ્માતઃ લગ્નમાં જઈ રહેલા પરિવારની કાર ટ્રકની પાછળ ઘુસી જતા સાસુ-જમાઈ સહિત બાળકીનું ઘટના સ્થળે જ મોત

રાજકોટ-જામનગર હાઈવે પર વધુ એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે નીકળેલો પરિવાર રસ્તામાં જ વેરવિખેર થઈ ગયો હતો. આ દર્દનાક અકસ્માતમાં સાસુ અને જમાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

જામનગરનો પરિવાર હોન્ડા સિટી કારમાં મોડી રાત્રે રાજકોટમાં યોજાયેલા લગ્ન પ્રસંગ માટે નીકળ્યો હતો. ધ્રોલ વટાવ્યા બાદ જયવા ગામ નજીક આશાપુરા હોટલ સામે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. કાર પૂરપાટ ઝડપે ટ્રક સાથે ધડાકાભેર ધડાકાભેર અથડાયા બાદ કારનો ડૂચો વળી ગયો હતો.

કારમાં સવાર 5 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. મૃતકોમાં 70 વર્ષના મુક્તાબેન ગિરધરભાઈ રામોલિયા, 53 વર્ષના નયનભાઈ દેવરામ મોડિયા અને એક બાળકીનો સમાવેશ થાય છે.

એક બાળક અને એક વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા થતાં જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.