ગુજસીટોક કેસમાં રાજુ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના આરોપીઓ ના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલના પોલીસ દ્વારા ગુજસીટોક નો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલામાં આજે કોર્ટ દ્વારા આરોપીઓ ના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ મામલામાં રાજુ સોલંકી ના વકીલ દિનેશ પાતરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકીને લઈને પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આ અગાઉ નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા હવે કેમ કરવામાં આવી કાર્યવાહી?. વધુમાં જણાવ્યું કે, જયરાજસિંહ ના દીકરા વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે તે માટે સરકાર દ્વારા કિન્નાખોરી રાખીને આવો કેસ કરવામાં આવ્યો છે.
તેની સાથે આ બાબતમાં શનિવારના પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હત્યાનો પ્રયાસ, ધાક ધમકી, ચોરી, લૂંટ સહિતના અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. તે બાબતમાં રાજુ સોલંકી, જયેશ ઉર્ફે જવો સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી, યોગેશ બગડા વિરુદ્ધ ગુજસીટોક કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા દલિત યુવાનને જીવલેણ માર મારવાના વિરોધમાં ગોંડલ ખાતે મહાસભા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહ્યા હતા. એટલું જ નહીં મોણપરી ખાતે પણ દલિત સમાજની માગણીઓને ન્યાય મળે તે માટે એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં દલિત યુવકના અપહરણ કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનુ રાજીનામું અને જયરાજસિંહ જાડેજાની 120 બી મુજબની ધરપકડ કરવામાં નહીં આવે તો તે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.