ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. તેને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27 મી ફેબ્રુઆરીના રોજ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થશે. જેમાં ચાર બેઠકો પર ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરીના રહેલી હશે. આગામી તા. 27 મી ફેબ્રુઆરીના સવારે 7 થી સાંજ ના 4 વાગ્યા સુધી મતગણતરીની શરૂઆત થશે.
તમને જણાવી દઈએ કે, માર્ચના અંત માં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેમાં મનસુખ માંડવિયા, પરષોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસ ના અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થવાની છે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોત પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ સિવાય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 4 બેઠકો સહિત દેશની 56 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 56 રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024 માં પૂર્ણ થઈ રહ્યો છે. જેના પર 27 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેલ છે. જ્યારે 27 ફેબ્રુઆરીના જ પરિણામ જાહેર કરવામાં આવશે.
તેની સાથે 56 બેઠકોમાંથી સૌથી વધુ 10 ઉત્તરપ્રદેશની રહેલી છે. આ સિવાય મહારાષ્ટ્ર-બિહારની 6-6 બેઠકો રહેલી છે. જ્યારે મધ્ય પ્રદેશ – પશ્ચિમ બંગાળની 5-5 બેઠકો રહેલી છે. જ્યારે કર્ણાટક-ગુજરાતની 4-4 રાજ્યસભા બેઠકો પર પણ 27 ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે.. આ સિવાય તેલંગાણા-રાજસ્થાન અને ઓડિસા ની 3-3 બેઠકો પર મતદાન યોજાશે. તેની સાથે છત્તીસગઢ, ઉત્તરાખંડ, હરિયાણા અને હિમાચલની 1-1 બેઠકો પર મતદાન યોજાશે.