ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. પ્રિયજનોની શોધ અને ઘાયલોની સારવાર માટે ચારેબાજુ હોબાળો મચી ગયો છે. બાલાસોરની હોસ્પિટલોમાં ડૉક્ટરો ઘાયલોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ થઈ છે અને 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
જ્યારે આ અકસ્માત બાદ આરોપ પ્રત્યારોપનો દોર સતત ચાલી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું રાજીનામાની માંગણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વિટ કરી જણાવવામાં આવ્યું છે કે, 9 ફેબ્રુઆરી 2023 ના આંતરિક અહેવાલમાં સિગ્નલની સલામતી વિશે વાત કરતા જણાવવામાં આવ્યું હતું. જો સિગ્નલનું કામ યોગ્ય રીતે કરવામાં ના આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં સરકાર દ્વારા આ અહેવાલ પર ધ્યાન આપવામાં આવ્યું નથી.
જ્યારે બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ઈન્ટરલોકિંગ સિસ્ટમ અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ ને જવાબદાર ગણાવી છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.