અમદાવાદની રામોલ પોલીસે CTM એક્સપ્રેસ હાઈવે ખાતેથી ખૂબ મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસની ટીમ વાહન તપાસી રહી હતી તે દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની એક શંકાસ્પદ કાર રોકીને ચેકીંગ કર્યું હતું. તે દરમિયાન કારમાં સવાર બે પુરુષ તેમજ એક યુવતી પૈકીમાંથી યુવતીએ પોતાની પાસે રહેલ પેકેટ પાછળની સીટ પર ફેંકી દેતા પોલીસને તે પેકેટ કઈ ખોટું હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે આ મામલે કારમાં બેઠેલા ત્રણેય લોકોની પૂછપરછ કરી તો તેમણે બરાબર જવાબ ના આપતા પોલીસે જાતે જ પેકેટ ખોલ્યું ત્યારે તે પેકેટમાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પોલીસે હાલ તો આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના મુંબઈ ખાતેના અયુબ ઈબ્રાહીમ કુરેશી,અયુબખાન નવાઝખાન ખાન તેમજ શેહઝાદી નુર ઇસ્લામ શેખ નામનાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લઈને આવ્યા હતા અને તે ડ્રગ્સના જથ્થાને અહીં અમદાવાદમાં કોઈ જગ્યાએ આપવાના હતા. પોલીસે હાલ તો કારમાં મળી આવેલ પેકેટમાંથી 37.66 લાખ રૂપિયાની કિંમતનો 376 ગ્રામ 600 મિલીગ્રામ જેટલો MD ડ્રગ્સ, રોકડ,મોબાઈલ તેમજ અને સહિત કુલ 43 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, મુંબઈની જેલમાં આરોપી મહિલાનો પતિ મારામારીના ગુનામાં કેદ છે. પાંચેક વર્ષ પહેલા પણ આરોપીઓ એક વખત આ રીતે જ મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.