×
GujaratAhmedabadCrime

ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યા બાદ 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ભરવાડ સમાજના એક યુવાનની હત્યા બાદ શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બે અલગ સમાજના લોકો સામસામે આવી જતા પરિસ્થિતિ ઉગ્ર બની હતી અને કેટલાક સ્થળોએ આગચંપી તથા તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. જોકે, પોલીસે તાત્કાલિક એક્શન લઈ સ્થિતિ કાબૂમાં લીધી છે.

માહિતી મુજબ, યુવાનની હત્યાની ખબર ફેલાતાં જ ધંધુકામાં રોષ ફાટી નીકળ્યો હતો. પાળીયાદ રોડ અને ધંધુકા સર્કલ આસપાસ એકત્રિત થયેલા ટોળાએ તોડફોડ મચાવી હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા પર ઉભેલા બાઈક તેમજ કેટલાક દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને સન્નાટો છવાઈ ગયો હતો.

પરિસ્થિતિ બગડે તે પહેલાં જ જિલ્લા પોલીસ સક્રિય બની ગઈ હતી. અમદાવાદ જિલ્લાના DySP સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ધંધુકા પહોંચાડાયો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને ટોળાઓને તરત જ વિખેરી દેવામાં આવ્યા હતા, જેથી વધુ નુકસાન ટાળી શકાય.

અમદાવાદના એસપી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હત્યાનો આરોપી ઝડપી લેવાયો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. તેમણે જણાવ્યું કે, “હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે અને પોલીસે તમામ પરિસ્થિતિ સંભાળી લીધી છે.”

વ્યક્તિગત કારણોને કારણે બનાવ
આ મામલે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે જણાવ્યું કે આ ઘટના કોઈ સાંપ્રદાયિક નથી, પરંતુ વ્યક્તિગત કારણોસર બની છે. સાથે જ સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ પણ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.