GujaratMehsanaNorth Gujarat

પ્રેમ લગ્નમાં કાયદામાં ફેરફાર મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, કહ્યું મુખ્યમંત્રી આ મામલે સંવેનદશીલ

તાજેતરમાં જ રાજ્યમાં પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરાવવાની માટે કાયદો બનાવવાનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે.  લવ મેરેજ નો મુદ્દો ઉઠ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યુ હતું કે આ મુદ્દે સરકાર થી જે કઈ થઈ શકે એમ હશે તે કરવામાં આવશે. ત્યારે  હવે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લવ મેરેજના મુદ્દે ખૂબ જ સંવેદનશીલ છે અને તમામ લોકોના અભિપ્રાય લીધા પછી આ અંગે શુ નિર્ણય લેવો તે નક્કી કરવામાં આવશે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લવ મેરેજ માં માતા પિતાની સહી ફરજિયાત કરાવવા માટેનો કાયદો બનાવવા માટે સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી. તેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એમ કહ્યું હતું કે, આ મામલે બંધારણની સાથે સાથે બીજું શું થઈ શકે એમ છે તે અંગે નિષ્ણાતો સાથે બેસીને જે થઈ શકે એમ હશે તે કરીશું. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરાવવા મુદ્દે કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી, કે ના તો આ મામલે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ મામલે સંવેદનશીલ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ મહેસાણા ખાતે SPG ના બેનર હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પાટીદાર સમાજનું એક સંમેલન મળ્યું હતું. જેમાં પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરાવવાની માંગ ઉઠી હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ મામલે થતા જરૂરી ફેરફારો જે થઈ શકે એમ હશે તે કરીશું.