SaurashtraGujaratRajkot

પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોનું સમર્થન ન કરતા રિવાબા જાડેજાનો સોશિયલ મીડિયા પર વિરોધ

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાનો સોશિયલ મીડિયા પર વિરોધ કરવાનું શરુ કરવામાં આવ્યું છે.

જાણકારી મુજબ, ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરુ કરવામાં આવ્યું છે. ઇંસ્ટાગ્રામ પર લોકો દ્વારા રિવાબાને લઇને અનેક કોમેન્ટ કરવામાં આવી રહી છે. રિવાબા દ્વારા ક્ષત્રિય સમાજ પર રૂપાલાની ટિપ્પણી પર કોઇ જવાબ આપવામાં ન આવતા લોકો દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર રિવાબાને લઇને એક યૂઝર દ્વારા કોમેન્ટ કરવામાં આવી છે કે, “તમે રાજપૂત નહીં ભાજપૂત છો, સમાજની જરૂરીયાત હતી ત્યાં સુધી સમાજ-સમાજ કર્યું, તમે બેન બા કેસરી ટોપીની આડમાં કેસરિયો ભૂલી ગયા છો.” જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, “માફ કરજો બેનબા આપની બઉં ઇજ્જત કરૂં છું પરંતુ આ પોસ્ટ તમને નથી શોભતી આજે રાજપૂતાણીઓ વિશે સહન ના કરી શકાય તેવી ટીપ્પણી કરી છે. આમ તો તમે બઉં રાજપૂતોના સંસ્કાર દેખાડતા ફરો છો પરંતુ આજે તમે કેસરી ટોપીની આડમાં કેસરિયાને ભૂલી ગયા છો. રાજપૂત-રાજપૂત રહ્યા નથી હાલમાં તે ભાજપૂત બની ગયા છો. અમને બેન સામે આવું બોલવું સારૂ લાગતું નથી પરંતુ તમારૂ આ વર્તન એક રાજપૂતાણીના હિસાબે સારૂ રહેલ નથી. જ્યારે આ રીતે અનેક લોકો દ્વારા અલગ-અલગ રીતે ટ્વીટ કરવામાં આવી રહી છે.

તેની સાથે રિવાબાના નણંદ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા ક્ષત્રિય સમાજના સમર્થનમાં ટેકો આપવામાં આવ્યો છે. જ્યારે અનેક કાર્યક્રમોમાં તેમના દ્વારા હાજરી પણ આપવામાં આવી છે.