વડોદરામાં મહી નદીમાં દશામાની મૂર્તિ વિસર્જન કરતા બની દુઃખદ ઘટના; પાંચ યુવકો તણાયા, બેના મોત, ત્રણ લાપતા
વડોદરાથી એક દુઃખદ ઘટનાની સામે આવી છે. વડોદરામાં આવેલ મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પાંચ યુવકો ડૂબી જતા 2 યુવકોના મોત નિપજ્યાં હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ત્રણ યુવકોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં યુવકો ની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેનાર 23 વર્ષીય પ્રજ્ઞેશ માછી પરિવાર અને મિત્ર સાગર કુરી સાથે સિંધરોટ મહીસાગર નદી ઉપર ના ચેકડેમ પાસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા હતા. ચેકડેમ પાસે તેઓ મૂર્તિનું વિસર્જન કરવા જતા સમયે મહીસાગર નદીના પાણીના પ્રવાહમાં તે તણાઈ ગયા હતા. તેમને બચાવવા માટે તેમના મિત્ર સાગરભાઈ પણ પાણીમાં પડ્યા પરંતુ તે તે પણ પાણીમાં તણાઈ ગયા હતા.
આ ઘટના બાદ પ્રજ્ઞેશભાઈના પરિવારજનો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી. જ્યારે સાગરભાઈ હોમગાર્ડમાં ફરજ બજાવતા હોવાના લીધે તેમની ડૂબવાની જાણકારી મળતા જ અન્ય હોમગાર્ડ જવાનો ઘટનાસ્થળ આવી ગયા અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એકની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
આ સિવાય અન્ય એક ઘટનામાં વડોદરાના કનોડાના પોઈચા ગામમાં ઘટી હતી. જેમાં મહીસાગર નદીમાં દશામાની મૂર્તિના વિસર્જન દરમિયાન રણછોડપૂરા ગામના ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની જાણકારી પણ સામે આવી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ મહીસાગર નદી ખાતે દોડી આવી હતી અને ત્રણેય સંજય ગોહિલ, વિશાલ ગોહિલ અને કૌશિક ગોહિલની શોધખોળ શરુ કરી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું.
આ મામલાની જાણકારી મળતા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા તપાસ કરતા સંજય ગોહિલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ મળતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે અન્ય બે યુવકોની તપાસ હાથ ધરવામાં આવી છે.