વધુ એક વિવાદમાં સપડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની કોલેજોમાં મોટા ગોટાળા આવ્યા સામે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હમણાથી સતત વિવાદમાં આવી રહી છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક એવા મુદ્દે વિવાદમાં આવી છે કે સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન હોય તેવી કોલેજોમાં માત્ર કાગળ પર જ અધ્યાપકો છે તેવી માહિતી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ જાહેર કરવામાં આવી છે. આવતા વિવાદ થયો છે. જેમાં માત્ર ભાજપ નહીં પણ કોંગ્રેસના નેતાઓની કોલેજોમાં પણ અધ્યાપકો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. યાદીમાં જે અધ્યાપકોને ફરજ પર બતાવવામાં આવી રહ્યા છે તેમાંથી કેટલાક મૃત્યુ પામ્યા છે તો કેટલાક બીજી જગ્યાએ નોકરી કરે છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ આ મામલે જણાવ્યું હતું કે, કોલેજો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હોવાથી જૂની માહિતી જાહેર થઈ ગઈ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન એવા ડો. નિદાત બારોટે ખોટી માહિતી જાહેર કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં તેમણે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર આક્ષેપ કર્યો કે પ્રો. ગિરીશ ભીમાણી આ બાબતે સીધી જ રીતે જવાબદાર છે.
તમને જણાવી દઈએ કે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ અધ્યાપકો તેમજ કોલેજો અંગેની માહિતીમાં અનેક મોટા ગોટાળાઓ સામે આવ્યા છે જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, ટેકનિકલ કારણોસર માહિતી અપડેટ થઈ ન હોવાથી આવી ભૂલ થઈ છે. હવે આ સમગ્ર મામલે સરકાર શુ પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેલી છે.