GujaratMehsanaNorth Gujarat

ગુજરાતમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાનું કૌભાંડ સામે આવતા હડકંપ, ઝેરોક્ષની દુકાન માં માત્ર 1500 માં બનતી હતી ડુપ્લીકેટ માર્કશીટ

ગુજરાતમાં ડુપ્લીકેટ સર્ટિફિકેટ નું એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા જિલ્લા ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ એવા બહુચરાજીમાં એક ઝેરોક્ષની દુકાન માં માત્ર 1500 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપવાનું કૌભાંડ સામે આવતા રાજ્યમાં હડકંપ મચી ગયો છે. ત્યારે LCB ટીમે આ ઝેરોક્ષની દુકાન મા રેડ પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લા ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ બહુચરાજી માં ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવવાનું એક કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણા LCBને બાતમી મળી હતી કે બહુચરાજી ખાતે આવેલ આદિત્ય કોમ્પ્લેક્સમાં
વિજય ઝાલા અને કુલદીપ સોલંકી નામના ઇસમો અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં આ કૌભાંડને અંજામ આપતા હતા.  આ બંને આરોપીઓ તેમના કોમ્પ્યૂટરમાં ધોરણ 10 અને ધોરણ 12, ITI તેમજ ડિપ્લોમાં સહિતની માર્કશીટો સાથે છેડછાડ કરીને ખોટી રીતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હતા.

નોંધનીય છે કે, મહેસાણા LCBએ બાતમીના આધારે અંબિકા ઝેરોક્ષ માં રેડ પાડી હતી. જેમાં જાણવા મળ્યું કે આ બંને શખ્સો એ માત્ર બે જ મહિનામાં એક માર્કશીટના 1500 રૂપિયા લઈને 50 જેટલી ડુપ્લીકેટ માર્કશીટ બનાવી લીધી હતી. અને કેટલાક લોકો તો આ માર્કશીટના આધારે નોકરી પણ લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો મહેસાણા LCB એ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.