કોઈ પણ પરિણીતા જ્યારે નવજાત શિશુને જન્મ આપે ત્યારે તે પરિણીતાનો પતિ તેની સારી સારસંભાળ રાખતો હોય છે. પરંતુ કેટલાક પતિ એવા પણ હોય છે કે આવા સમયમાં પણ પત્નીની કમાણી ખાવા માટે થઈને નવજાત શિશુ અને માતાને અલગ કરી દેતા હોય છે. આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યા પત્નીની મહેનતની કમાણી ખાવા માટે થઈને પતિએ સંવેદનહીન બનીને સગી પુત્રી નું ધાવણ છોડાવીને તેને પોતાની માતાના ઘરે મૂકી આવ્યો અને પછી પત્નીને જબરજસ્તી નોકરી કરવા મોકલી હતી. જેથી પોતાની પુત્રી થી દૂર થવાના કારણે પત્નીએ આપઘાત કરી લીધો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નારોલ વિસ્તાર ખાતે આવેલ પ્રથમ લક્ઝુરિયા કર્ણાવતીમાં વસવાટ મરતા મનોજ જાટે નારોલ વિસ્તાર ખાતે આવેલ શૌર્ય રેસિડેન્સીમાં વસવાટ કરતા તેની બહેનના જ પતિ રજત હુડ્ડા વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણા ની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ 2021માં હરિયાણાના હિસાર ખાતે રહેતા રજત હુડ્ડા સાથે મનોજની બહેન અનુનાં લગ્ન થયાં હતાં. અનુ અને રજત બંને જણા લગ્નના એક મહિના પછી અમદાવાદ આવીને નારોલ વિસ્તારમાં આવેલ શૌર્ય રેસિડેન્સીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં હતાં. અમદાવાદ આવીને રજતે મેનેજર તરીકે હોટલ ડ્રીમ વિલા ખાતે નોકરી શરૂ કરી દીધી હતી. લગ્ન થયાના ના શરૂઆતના દિવસોમાં તો રજત તેની પત્ની અનુને ખૂબ સારી રીતે રાખતો હતો, પરંતુ થોડા સમય પછી તેણે અનુને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. મનોજ જ્યારે પણ તેની બહેન અનુને મળવા માટે તેના ઘરે નાય ત્યારે અનુ તેને રજત દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસ વિશે જાણ કરતી હતી. ત્યારે એક દિવસ મનોજે તેની બહેનના પતિ રજતને આ બાબતે સમજાવતા રજત ફરીથી અનુને સારી રીતે રાખવા લાગ્યો હતો. પરંતુ અનુ જ્યારે ગર્ભવતી થઈ ત્યારપછી રજતે ફરીથી અનુને ત્રાસ અપવાનાઈ શરૂ કરી દીધું તેમજ તે સોશિયલ મીડિયામાં અન્ય યુવતીઓ સાથે લાંબી લાંબી ચેટિંગ કરીને તેમની સાથે સબંધ બાંધતો હતો. જે તમામ ચેટિંગના સ્ક્રીનશોટ લઈને અનુએ તેની બીજી બહેનને મોકલ્યા હતા.
નોંધનીય છે કે, અનુએ જ્યારે એક પુત્રીને જન્મ આપ્યો ત્યારે ડોક્ટરે અનુને પૂરતો આરામ કરવા માટે જણાવ્યું હતું. જો કે, રજતે અનુને માનસિક ત્રાસ આપવાનું શરૂ રાખ્યું તેમજ તેને આરામ કરવા દેવાને બદલે તેની સાથે ઘરકામ પણ કરાવતો હતો. અને અનુને નોકરી ફરીથી શરૂ કરવા માટે સતત દબાણ કરતો હતો. પરંતુ દીકરી ખૂબ જ નાની હોવાથી તેની સારસંભાળ રાખવા તેમજ તેને સમયસર ધાવણ આપવા માટે થઈને અનુએ નોકરી જવાની ના પાડી હતી. ત્યારે રજત તેની દીકરીનું ધાવણ છોડાવીને તેને હરિયાણા તેના માતા પાસે મૂકીને પત્ની અનુ સાથે અમદાવાદ રહેવા આવી ગયો અને અનુની નોકરી ફરી શરૂ કરાવી દીધી હતી. ત્યારે પુત્રી થી દુર થયાના વિરહમાં તે.જ પતિ દ્વારા આપવામાં આવી રહેલા સતત માનસિક ત્રાસથી કંટાળીને અનુએ આખરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
તમને જણાવી દઈએ કે, હાલ તો નારોલ પોલીસે આ સમગ્ર મામલે મૃતક અનુના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.