તંત્રના પાપે જીવના જોખમે કરવી પડે છે અંતિમક્રિયા, અનેક વખત રજૂઆત કર્યા પછી પણ સમસ્યા ઠેરની ઠેર
વલસાડ જિલ્લામાં આવેલ કાકડમટી ગામમાં તંત્રના પાપે લોકોને મર્યા પછી પણ હાલાકી ભોગવવી પડે છે. પહેલા જ વરસાદમાં પાર નદી ને જોડતી ખાડી પરનો બ્રિજ તંત્રના પાપે ધોવાઈ જતા ચાર વર્ષથી કાકડમટી ગામ સહિત આસપાસના 5થી6 જેટલા ગામના લોકો ચોમાસાની ઋતુ દરમિયાન મૃતદેહને લઈને નદીમાંથી પસાર થવા માટે મજબૂર બને છે. કાકડમટી ગામ ખાતે આવેલ ખાડીમાં જો પાણીનું વેણ વધુ હોય તો પછી ગામ લોકોએ મૃતદેહનો ખુલ્લામાં જ અંતિમ સંસ્કાર કરવુ પડે છે. નહિ તો પછી ત્યાંથી 15 થી 20 કિલોમીટર દૂર છેક ધરમપુર અંતિમ સંસ્કાર કરવા માટે જવું પડે છે. પરંતુ અહીં મોટા ભાગે ગરીબ વર્ગના લોકો રહેતા હોવાથી તે લોકો પાસે અંતિમ સંસ્કાર માટે ધરમપુર જવાની સગવડ થઈ શકે એમ હોતી નથી. જેથી આ ગામના લોકો જીવન જોખમે નદી ઓળંગીને કાકડમટી ગામ ખાતે પાર નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિમાં જઈને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થવું પડે છે.
ગામના લોકોના જણાવ્યા અનુસાર, કાગળમટી ગામ સહિત આસપાસના કુંડી,કુચીગામ, સિંચાઈ, વેલવાચ જેવા ગામોને મળી આશરે 8,000 થી 10,000 લોકો પહેલેથી જ આ સ્મશાન ભૂમિનો ઉપયોગ કરતા આવેલ છે. કાકડમટી ગામ ખાતે આવેલ પાર નદી મળતી ખાડી પર ચાર વર્ષ અગાઉ એક બ્રિજ બનાવવામાં આવેલ હતો. પરંતુ તંત્રના પાપે આ બ્રિજનો ઉપયોગ થાય તે પહેલા આ બ્રિજ વરસાદમાં તૂટી ગયો હતો. જેથી કાકડમટી સહિતના આસોઆસના ગામના લોકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વધુ વરસાદ હોય તેમજ જો ખાડીમાં વધુ પાણી હોય તો માત્ર 7 થી 8 લોકો જીવના જોખમે મૃતદેહને લઈને સ્મશાન ભૂમિએ જઈ અંતિમ સંસ્કાર કરે છે. અને જો ખાડીમાં વધારે પડતું પાણી આવી ગયું હોય તો પછી ગામ લોકોએ મજબૂરીમાં ખુલ્લામાં જ અંતિમ સંસ્કાર કરવા પડે છે.
તમને જણાવી દઈએ કે, કાકડમટી ગામના લોકોએ સ્મશાનની પડતી સમસ્યાને લઈને સરપંચ સહિત ધારાસભ્ય તેમજ સાંસદ સુધી રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી આ તૂટી ગયેલ બ્રિજ બનાવવામાં આવ્યો નથી. અને તંત્રના પાપે કાકડમટી ગામના લોકો વરસાદના સમયમાં ખાડીમાંથી જીવન જોખમે મૃતદેહ લઇ જઈને અંતિમ ક્રિયા કરવા મજબૂર બને છે.