AhmedabadGujarat

એક જ મહિનામાં ત્રીજી વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

સતત વધી રહેલા તેલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાય રહ્યું છે. ત્યારે ફરી એકવખત તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 4 દિવસમાં 80 રૂપિયાનો ભાવ વધારો સિંગતેલના ડબ્બાના ભાવમાં જોવા મળ્યો છે. ત્યારે હવે 10 રૂપિયાનો વધારો થતાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3090 રૂપિયા પર પહોંચ્યો છે. છેલ્લાં 13 દિવસની વાત કરીએ તો 170 રૂપિયા સુધીનો વધારો સિંગતેલના ડબ્બાના ભાવમાં જોવા મળ્યો છે. જોકે, કપાસિયા તેલના ડબ્બાના ભાવ હાલ વધ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, તહેવારોની શરૂઆત થાય તે પહેલાં જ ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે સતત વધી રહેલા સિંગતેલના ભાવને કારણે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. ત્યારે સિંગતેલના ભાવમાં આજે ફરી એકવાર તોતિંગ વધારો થયો છે. જુલાઈ મહિનામાં સતત ત્રીજી વખત સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ખાદ્યતેલના એક વેપારીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને તેમના પાકનો પૂરતો ભાવ ના મળતો હોવાથી તેમજ કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીના કારણે મોંઘવારીમાં વધારો થાય છે. મગફળીનો જથ્થો પૂરો થવા આવ્યો હોવાના કારણે હાલ સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. એક મહિના પહેલા  70 થી 80 રૂપિયાનો ઘટાડો સિંગતેલના ભાવમાં થયો હતો. ત્યારે હવે એક જ મહિનામાં ત્રણ વખત ભાવ વધીને સિંગતેલનો ભાવ ફરી વધારે થઇ ગયો છે. ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં રૂકાવટ આવવાના કારણે તેમજ વરસાદના કારણે  મગફળીની આવક ઓછી થઈ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.