જમ્મુ-કાશ્મીરના કુલગામમાંથી એક મોટી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારના રોજ થયેલ અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હોવાનું સામે આવ્યું છે. તેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેનાર મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહીદ થયા હોવાની જાણકારી સામે આવી છે. એવામાં તેમના શહીદ થવાથી પરિવારજનોમાં દુઃખનું મોંજુ ફરી વળ્યું છે.
જાણકારી મુજબ, દેશની રક્ષા દરમિયાન શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી રહેલ છે. એવામાં મહિના અગાઉ જ તેમના પત્નીનું શ્રીમંત યોજવામાં આવ્યું હતું. એવામાં તે થોડા દિવસમાં પિતા પણ બનવાના હતા પરંતુ તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે લડતા શહીદ થઈ ગયા છે.
તેની સાથે શહીદ વીર મહિપાલસિંહ વાળાના આજે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાશે. અમદાવાદ ના વિરાટનગર ખાતેથી શહીદ જવાન મહિપાલસિંહની અંતિમયાત્રા નીકળાશે અને લીલાનગર સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યારે તેમને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમેટવાની શક્યતા રહેલી છે.
તમને જણાવી દઈએ કે, મૂળ સુરેન્દ્રનગર મોજીદડ ગામના વતની અને હાલમાં અમદાવાદના વિરાટનગર ની સદાશિવ સોસાયટીમાં રહેનાર મહિપાલસિંહ વાળા છેલ્લા આઠ વર્ષથી સુરક્ષા દળ માં ફરજ બજાવી રહ્યા હતા. તેમની પ્રથમ પોસ્ટિંગ જબલપુરમાં થયેલી હતી અને તે ત્યાં ચાર વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા હતા. ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી ચુક્યા હતા. જ્યારે છેલ્લા છ મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થયેલ હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં મહિપાલસિંહ વાળા શહીદ થયા હતા.