અમદાવાદથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. જેમાં અમદાવાદમાં આરોપીઓ દ્વારા અમેઝોન કંપનીમાં નવા ટીવીનો ઓર્ડર આપવામાં આવતો અને ત્યાર બાદ તેનું પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ મામલામાં આરોપીઓ પોલીસના હાથે લાગી ગયા છે. કંપની ને છેતરવાનું કૌભાંડ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં નારોલ પોલીસ દ્વારા એમેઝોન કંપની સાથે વિતરણનુ કામ કરનાર વેલેક્સ લોજિસ્ટિક કંપની ના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરીને આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર આ ત્રણ વ્યક્તિઓ દ્વારા પાંચ મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી 97 લાખનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. વેલેક્સ લોજિસ્ટિક કંપની ના ડિલિવરી બોય સાજીદ હુસેન શેખ, હિમાંશુ વાઘેલા અને સતીષ યાદવની આ મામલામાં ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ મામલામાં આઠ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ટીવી લે-વેચ નો ધંધો કરનાર મોહમ્મદ ઇમરાન તથા મોહસિન હુસેન કંપની ના ડિલિવરી બોયના સંપર્કમાં રહેલા હતા.
તેની સાથે આ બંને વ્યક્તિ જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપી દેતા અને તેના બદલામાં નવું ટીવી ખરીદી લેતા હતા. એવામાં ઓગસ્ટ-2023 થી ડિસેમ્બર-2023 સુધીમાં 147 નવા ટીવીની જગ્યાએ જૂના ટીવી રાખી 97 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા થોડા સમયથી અનેક વખત આ રીતનું થતા એમેઝોન કંપની ને શંકા જતા તેમના દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.