GujaratRajkotSaurashtra

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સખ્ત કાર્યવાહી, રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને કરાયા સસ્પેન્ડ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં હવે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મનપાના કમિશનર ડી. પી. દેસાઈ દ્વારા મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. .

જાણકારી મુજબ, TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડના આરોપી તરીકે ધરપકડ કરવામાં આવ્યા પછી જેલ હવાલે થતા રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઈલેશ ખેર બે દિવસના પોલીસ રિમાન્ડ પર રહેલા હતા. જ્યારે આ અગાઉ રાજકોટ મનપાના તત્કાલીન ટી. પી. ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી. મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી, રોહિત વિગોરા, ભીખા ઠેબા અને ગૌતમ જોશી સસ્પેન્ડ કરાયા છે.

નોંધનીય છે કે, 25 મે 2024 ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોનો જીવ ગયો હતો. આ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરી 21 જૂનના શુક્રવારે રિપોર્ટ સુપરત કરાયો હતો. અગ્નિકાંડની તપાસમાં SIT  દ્વારા 100 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં હતો. જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R & B અને લાયસન્સ વિભાગ સહિત ચાર વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. SIT ના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, હજુ પણ સખ્ત કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં આવશે નહીં.

તેની સાથે આ ઘટનામાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલશ ખેર, સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ બી. જે. ઠેબા તેમજ વેલ્ડીંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરાઈ હતી.  આ ત્રણની ધરપકડ બાદ આ ઘટનામાં ધરપકડનો આંકડો 15 પર પહોંચી ગયો છે.