સુરતમાં થોડા પૈસા અને ચોકલેટની લાલચ આપી કિશોરી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. એવામાં આજે આવો જ એક મામલો સુરતના મહુવા તાલુકાના એક ગામથી સામે આવ્યો છે. જેમાં 11 વર્ષીય સગીરા પર 50 વર્ષીય નરાધમ દ્વારા લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફળીયામાં રહેનાર અને મજૂરી કરીને જીવન પસાર કરનાર દંપતીની દીકરી ઘરમાં એકલી રહેતી હતી. તેનો લાભ ઉઠાવી આ નરાધામ દ્વારા થોડા પૈસા અને ચોકલેટ આપવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
જાણકારી મુજબ, આરોપી સુખા હળપતિ ખાનગી ફાર્મ હાઉસમાં નોકરી કરતો હોવાની જાણકારી સામે આવી છે. આ સમગ્ર ઘટના પર પડદો ત્યારે ખુલ્યો જ્યારે સગીરાના પ્રાઇવેટ ભાગમાં દુઃખાવો થતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી. આ દરમિયાન તબીબોને શંકા જતા તેને વધુ સારવાર માટે સુરત મોકલી દેવામાં આવી હતી ત્યાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની જાણકારી સામે આવી હતી. જેને દાદાજી કહેતી હતી તે જ આધેડ વ્યક્તિ દ્વારા પોતાની પૌત્રી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલામાં સગીરાની માતા દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા નરાધમ સુખા હળપતિ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ છે, છેલ્લા આઠ મહિનાના સમયગાળામાં સગીરાની એકલતાનો લાભ લઈને ઘરના દરવાજા બંધ કરી આરોપી દ્વારા જબરજસ્તી પૂર્વક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુપ્ત ભાગમાં એલર્જી થતા સગીરાની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. તે દરમિયાન સગીરાને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તે સમયે સગીરા સાથે શારીરિક સંબંધ બંધાયા હોવાનું સામે આવ્યું હતું.