GujaratSouth GujaratSurat

આર્થિક તંગીના કારણે આપઘાત કરવા જઈ રહેલ પરિણીતાનો જીવ બચાવીને તેની મદદ કરી સુરત પોલીસે માનવતા મહેકાવી

કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓને કારણે આખી સિસ્ટમને લોકો એક જ નજરથી જોતા હોય છે. પરંતુ સુરતમાં પોલીસે જે કાર્ય કર્યું છે તે ખરેખર બિરદાવવા લાયક છે. જ્યાં એક પરિણીતા આર્થિક તંગીને કારણે પોતાના જ ઘરમાં આપઘાત કરવા જઈ રહી હતી. પરિણીતાએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જે પોસ્ટ પોલીસને ધ્યાને આવતા પોલીસે તરત જ મહિલાનું લોકેશન શોધીને તેને આપઘાત કરતા રોકી હતી. અને આર્થિક તંગીના કારણે આપઘાત કરવા જઈ રહેલ આ પરિણીતાના ઘરમાં પોલીસે જરૂરી ચીજવસ્તુઓ પણ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાનો મહુવા તાલુકા ખાતે આવેલ ઘડોઈ નામના ગામે એક પરિણીતા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને તેના પોતાના ઘરમાં જ આપઘાત કરવા જઈ રહી હતી. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના સાયબર સેલને આ પોસ્ટ ધ્યાને પર આવતા પોલીસે તાત્કાલિક આ મહિલાનું લોકેશન શોધવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે  પરિણીતા સુરત જિલ્લાના મહુવા તાલુકા ખાતે આવેલ ઘડોઈ નામના ગામની છે. લોકેશન ખબર પડતા જ પોલીસ તાબડતોબ તે પરિણીતાના ઘરે પહોંચી હતી અને તેને આપઘાત કરતા રોકી લીધી હતી.

નોંધનીય છે કે, પોલીસે આ પરિણીતાને આપઘાતનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે પરિણીતાનો પતિ ખૂબ વ્યસની છે અને ઘરમાં આર્થિક તંગી પણ છે. આથી કંટાળીને આ પરિણીતા આપઘાત કરવા જઈ રહી હતી. ત્યારે પરિણીતાની વાત સાંભળીને પોલીસે તેના પતિને ઠપકો આપ્યો હતો તેમજ પરિણીતાને ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ લાવી આપી હતી. આમ સુરત ગ્રામ્ય પોલીસે એક પરિણીતાનો જીવ બચાવીને તેને મદદ કરીને માનવતા મહેકાવી છે.