સુરત : દારૂ સંતાડવાનું ચોરખાનું જોઈ પોલીસ માથું ખંજવાળવા લાગી, 8.14 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગુજરાતમાં દારૂ લાવવા માટે અવનવી રીત અપનાવવામાં આવતી હોય છે. જ્યારે આજે સુરતથી કંઇક એવા જ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પીસીબી પોલીસ દ્વારા આઈસર ટેમ્પો અને દારૂ મળી કુલ 18.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેની સાથે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, સુરત પીસીબી પોલીસને જાણકારી મળી હતી કે, એક આઈસર ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. એવામાં પોલીસને જાણકારી મળી હતી કે, આઈસર ટેમ્પો જહાંગીરપુરા વરિયાવ પોલીસ ચોકી નજીક આવેલા સાયણ હજીરા રોડ પર આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ દ્વારા વોચ ગોઠવી દારૂના જથ્થા સાથે આઈસર ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આઇસર ટેમ્પાની અંદર ચોરખાનુ બનાવીને શહેરમાં દારૂ ઘુસાડવાના બૂટલેગરના કીમિયાને પીસીબી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવી લેવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા પોલીસથી બચવા માટે આઈસર ટેમ્પામાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી ટેમ્પો ખાલી રાખીને હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આઈસર ટેમ્પામાં તપાસ કરતા તેમાં બનાવવામાં આવેલ ચોરખાનામાંથી 8.14 લાખની કિમતનો દારૂનો જથ્થો પ્રાપ્ત થયો હતો. તેના લીધે પોલીસ દ્વરા આ ઘટનામાં વિશાલ સુખલાલ વરાડે અને સુનીલ રવીન્દ્ર બાવીસ્કર નામના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ત્રણ મોબાઈલ, 8.14 લાખની કિંમતનો દારૂ અને 10 લાખની કિમતનો આઈસર ટેમ્પો મળી કુલ 18.34 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
તેની સાથે પોલીસે સેલવાસ ખાતે દારૂનો જથ્થો મોકલનાર સચિન ઠાકરે તેમજ દારૂનો જથ્થો લેનાર મોહમંદ સલીમ ઉર્ફે સલીમ ફ્રુટ અનવરભાઈ ફ્રુટવાલા અને ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રુટવાલા અનવરભાઈ ફ્રુટવાલાને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.