રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક નબીરા દ્વારા કાર અકસ્માત સર્જવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જાણકારી મુજબ, થાર કારના ચાલક દ્વારા બાઇકસવાર સગીરને અડફેટે લેવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ મામલામાં પોલીસ દ્વારા કારની નંબર પ્લેટ ના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, અમદાવાદ ના સિંધુ ભવન રોડ પર જયદીપ વિપુલ ભાઈ સોલંકી નામનો સગીર મિત્ર ની બાઈક લઈને સિંધુભવન રોડ પરથી જઈ રહ્યો હતો. તે સમયે ઓર્નેટ પાર્ક ચાર રસ્તા નજીક મહિન્દ્રા થાર કારના ચાલક દ્વારા પુરઝડપે કાર હંકારી બાઈકસવાર યુવકને અડફેટે લેવામાં આવ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળ પર કાર મૂકીને જ નાસી ગયો હતો. અકસ્માતને લીધે સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
તેના પછી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ જયદીપ સોલંકી ને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ જયદીપ સોલંકી નું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બાબતમાં જયદીપના મિત્ર ભવ્ય સોની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે બધા મિત્રો ભેગા થઇ ને બેઠેલા હતા. તે દરમિયાન જયદીપ એક મિત્રનું બાઈક લઈને એક અગત્યના કામ માટે ગયેલો હતો. કામ પતાવી તે પરત આવી રહ્યો હતો તે સમયે તેને રસ્તામાં બેફામ કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. રાત્રીના લગભગ બે વાગ્યાના સમયગાળામાં આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે, 100 થી 200 મીટર સુધી જયદીપ બાઇક સાથે ઢસડાયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.