અમદાવાદ એસટી ડેપોમાંથી એસટી બસની જ ચોરી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આ મામલામાં મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી ચોરી કરવામાં આવેલ એસટી બસ સાથે એક આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ગણતરીના કલાકોમાં નરોડા પોલીસ દ્વારા એસટી બસ સાથે આરોપી તુષાર ભટ્ટ ને દહેગામ કનીપુર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
જાણકારી મુજબ, આરોપી તુષાર ભટ્ટ એસટી બસ ચોરી કરવાનો આરોપ લાગેલો છે. નશાની હાલતમાં આરોપી તુષાર ભટ્ટ દ્વારા સરકારી બસ ની જ ચોરી કરવામાં આવી હતી. આ બસ ચલાવી ને દહેગામ સુધી તે પહોંચ્યો હતો, પરંતુ કોઈ પણ તેને રોકવાવાળું નહોતું. ઘટનાને લઈને જણાવી દઈએ કે, ગત 15 જાન્યુઆરીના રોજ અમદાવાદના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી બસ ની ચોરી કરવામાં આવી હતી. સરકારી એસટી બસની ચોરી અંગે ડેપો મેનેજરના ધ્યાને આવતા પોલીસ ને આ મામલામાં જાણ કરવામાં આવી હતી.
કૃષ્ણનગર પોલીસ દ્વારા એસટી બસ અંગે તમામ વિગતો મેળવી કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો તપાસ માટે દોડાવતા સીસીટીવી અને ચોક્કસ હકીકત મેળવતા એસટી બસ દહેગામ પાસે નું લોકેશન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું, કનીપુર નજીક એસટી બસ રોડ ઉપર પડેલી હતી અને આ બસ લઈ આવનાર ચાલક પણ ત્યાંથી મળ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવતા તુષાર ભટ્ટ અમદાવાદ નો રહેવાસી હોવાની જાણકારી સામે આવી છે. હાલમાં પોલીસ દ્વારા બસ પરત અમદાવાદ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તેની સાથે આરોપી તુષાર ભટ્ટ અગાઉ કોન્ટ્રાક્ટ ઉપર એસટી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. જ્યારે તે ઘણા સમયથી બેકાર રહેલો હતો અને માનસિક અસ્વસ્થ હાલતમાં તે પોલીસને મળી આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, નશાની હાલતમાં તુષાર ભટ્ટ પોલીસને મળી આવ્યો હતો. ત્યારબાદ તેને સ્ટેશનમાં લાવી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
પોલીસ ની પ્રાથમિક પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, આરોપી તુષાર ભટ્ટ જ્યારે એસટી ડેપો પાસે ગયો ત્યારે એસટી બસમાં જ ચાવી લાગેલી હોવાના લીધે તે બસ લઈને ચાલ્યો ગયો હતો. તેમ છતાં ચોરી કરવાનો કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી. આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.