અમદાવાદનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અમદાવાદ ના મણિનગરમાં વર્ષ 2021 માં થયેલી હત્યા કેસમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં પણ શરીર પર ઈજાના નિશાન હોવાનો રિપોર્ટ હોવા છતાં પોલીસ દ્વારા હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. તેના લીધે મૃતકની પત્ની દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટના મૌખિક આદેશ બાદ ડિસેમ્બર 2021 માં થયેલી હત્યાની ફરિયાદ પોલીસ દ્વારા હવે 2024 માં નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં 38 વર્ષિય નિકીતાબહેન અમિતભાઇ જેઠવા પરિવાર સાથે વસવાટ કરે છે જ્યારે તે રસોઇ બનાવવાનું કામ કરે છે. નિકીતાબહેન 23 ડિસેમ્બર 2021 ના રોજ રસોઇ બનાવવા માટે ગયેલા હતા તે સમયે તેમના દીકરા દ્વારા ફોન કરી જણાવવામાં આવ્યું હતું એક, પપ્પાને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. તેના લીધે દીકરા ને લઇ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે દીકરા માનવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે પપ્પા ઘરે હાજર હતા ત્યારે સોસાયટીમાં રહેનાર જગનભાઇ શુક્લા ઘરે આવ્યા હતા અને પિતાને તે બહાર લઈને ગયા હતા. એવામાં સાત વાગ્યાના જગનભાઇ ઘરે આવ્યા હતા અને માનવને કહ્યું હતું કે, તારા પિતાને હરીભાઇ ટાવર પાસે કોઇ દ્વારા લાફો મારવામાં આવ્યો છે અને જો તારા પિતા ત્યાં ન મળે તો રામબાગ પોલીસ ચોકી જઈ આવશે. તેના લીધે માનવ ત્યાં ગયો હતો ત્યારે પિતા મળ્યા નહોતા. ત્યાંથી તે રામબાગ ગયો ત્યાં પણ પિતા મળ્યા નહોતા.
પરંતુ પોલીસને ફોટો બતાવતા તેમણે જણાવ્યું હતું કે, 108 મારફતે તારા પિતાને સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. તેના લીધે પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યાં ઇમરજન્સી વોર્ડમાં બેભાન હાલતમાં પિતા દાખલ રહેલા હતા અને શરીરના ભાગમાં ઇજા અને આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું. જ્યારે તેમનો રિપોર્ટ કરાવવામાં આવતા હેમરેજ થઇ ગયું હતું અને તેની પાસળીઓ પણ તૂટી ગઈ હતી. તેના લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે 24 નવેમ્બર 2021 ના રોજ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેના લીધે પરિવારના સભ્યો દ્વારા મૃતદેહનું પીએમ કરાવીની અંતિમ ક્રિયા હાથ ધરી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ 25 મી ડિસેમ્બર 2021 ના રોજ નિકીતાબહેન પતિની હત્યા થઈ હોવાની ફરિયાદ દાખલ કરવા માટે મણિનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, હાલ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને પીએમ નોટ આવ્યા બાદ ગુનો દાખલ કરીશું. પીએમ નોટ આવતા તેમના શરીર પર ગંભીર ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. તેના લીધે આ મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં નિકીતાબહેન દ્વારા પિટિશન કરવામાં આવી હતી. જેમાં કોર્ટના ડાયરેક્શન બાદ પોલીસ દ્વારા હત્યાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.