પાંચ મહિના પહેલા મૃત્યુ પામેલ દીકરીના મોતની બાબતને લઇને પિતાએ પોલીસથી લઈને પ્રધાનમંત્રી સુધી સૌને કરી રજુઆત
પાંચ મહિના અગાઉ કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ આમલિયારા નામના ગામની એક યુવતીના પિતા નું મન હજુ પણ એ માનવા તૈયાર નથી કે તેમની દીકરીનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. તેઓ સતત કહી રહ્યા છે કે તેમની દીકરી નું ખૂન કરીને તેની લાશ ને કેનાલમાં ફેંકી દેવામાં આવી છે. તેમણે દીકરી ના મોત મામલે ફરીથી તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાષ્ટ્રીય મહિલા આયોગ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, અને શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમલિયારા નામના ગામની 19 વર્ષની ઉંમરની પ્રેરણા ખરકપાલ શર્મા નામની યુવતી સયાજીપુરા ગામ ખાતે આવેલ નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી. તા. 20 માર્ચ 2023ના રોજ તેણી રોજની જેમ ઘરેથી નોકરી તો ગઈ પરંતુ મોડી સાંજ સુધી પ્રેરણા ઘરે પરત ના આવતા તેના પરિવારજનોએ બાપોદ પોલીસ સ્ટેશનમાં 21 માર્ચ 2023 ના રોજ આ અંગે જાણ કરતી અરજી આપી હતી. આ દરમિયાન વડોદરા નજીક છાણી કેનાલ માંથી 23 માર્ચ 2023 ના રોજ પ્રેરણાની લાશ મળી આવી હતી. ત્યારે કેનાલમાં ડૂબી જવાથી પ્રેરણા મૃત્યુ પામી હોવાનો ગુનો દાખલ કરી પોલીસે આગળ કાર્યવાહી કરી હતી.
દીકરીના પિતાએ આક્ષેપ કર્યા છે કે, નિમેટા ખાતે વસવાટ કરતો અભય કમલભાઈ પલાસ મારી દીકરી પ્રેરણાને તા. 20 માર્ચ 2023 ના રોજ વાઘોડિયા તાલુકાના મુરલીપુરા ગામ જોડેથી પસાર થતી કેનાલ ખાતે લઇ ગયો હતો અને તે જ દિવસથી પલાસ ફરાર થઇ ગયો હતો. આ સિવાય તેમણે જણાવ્યું કે, કેનાલમાં એટલું બધું પાણી ન હતું કે મારી દીકરી કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ પામે. દીકરી કમર ઉપર પટ્ટો કેવી રીતે આવ્યો તે પણ એક મોટું રહસ્ય છે. એસિડ થી બળી ગયેલો મારી દીકરીનો ચહેરો પણ ઘણી શંકા ઉપજાવે છે.