રાજ્યમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યનાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે દીવ, દમણ દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેવાનો છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે.
તેની સાથે 13 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાય 14 ઓગસ્ટની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ૧૫ ઓગસ્ટને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ૧૫ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેના સિવાય કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.