GujaratAhmedabad

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ને લઈને કરી મોટી આગાહી…

રાજ્યમાં હવે ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગ મુજબ, આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કેમ કે, આગામી બે દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી. મી. પ્રતિકલાકની રહેવાની શક્યતા છે. તેમ છતાં ભારે વરસાદની હજુ પણ ગુજરાતવાસીઓને રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા સાયક્લોનિક સર્ક્યુલેશન લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગે તેવી શક્યતા રહેલી છે. હવામાન વિભાગ મુજબ ચોમાસુ હજુ નવસારીમાં અટકી ગયું છે. આવનારા બે દિવસમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, આગામી 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ જોવા મળશે. ત્યાર બાદ ચોમાસું 30 જૂન સુધીમાં  સમગ્ર ગુજરાતમાં બેસી જશે. જ્યારે 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. એવામાં આજથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગયેલ છે અને 30 જૂન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં સર્વત્ર વરસાદ 24 થી 30 જૂનની વચ્ચે જોવા મળવાનો છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેના સિવાય પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે.