AhmedabadGujarat

રાજ્યના તાપમાનના ફેરફારને લઈને હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યના આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં હાલ સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે, ભેજવાળી હવાના કારણે રાજ્યમાં બફારો અનુભવવામાં આવશે. અમદાવાદમાં આગામી 5 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા સહેજ પણ નથી.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તેમજ વરસાદ પડવાની પણ નહિવત શક્યતાઓ છે. હાલ જે વાતાવરણ છે તેવું જ વાતાવરણ આગામી 5 દિવસ રહે તેવી શક્યતાઓ છે. હાલ રાજ્યમાં પશ્ચિમીની સાથે ઉત્તર-પશ્ચિમના પવનો આવી રહ્યા છે. તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થાય તેવી કોઈ સંભાવના નથી. આ જ કારણથી ગરમી ઓછી પડી રહી હોવા છતાં પણ લોકો પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં રાજ્યના તાપમાન એકાદ ડિગ્રીનો વધારો અને ત્રણ દિવસ બાદ વાતાવરણમાં એકાદ ડિગ્રી ઘટાડો નોંધાઇ શકે છે. અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ,ગાંધીનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 41 ડીગ્રી આસપાસ મહત્તમ રહે તેવી શક્યતાઓ છે. રાજ્યનુ તાપમાન હાલ સામાન્ય કે તેનાથી નીચું નોંધાઈ રહ્યું છે.