આ વખતે ગમે ત્યારે કમોસમી વરસાદ પડવાને કારણે ઉનાળાની ઋતુમાં પણ ગરમી નથી લાગી રહી અને ઘણી વખત તો ચોમાસા જેવું જ લાગે છે. ઉનાળાની ઋતુમાં અત્યારસુધી અનેક વખત કમોસમી વરસાદ પડ્યો છે. જયારે કમોસમી વરસાદના લીધે ખેડૂતો હેરાન છે. એવામાં હવે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોની ચિંતા વધારે એવી આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધુ રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે બુધવારની વાત કરવામાં આવે ઓ રાજ્યના 7 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે મહેસાણાના કડીમાં ભારે વરસાદના લીધે યાર્ડમાં પડેલો એરંડા અને ઘઉંનો પાક પણ પલળી ગયો હતો. તેના લીધે વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે.
નોંધનીય છે કે, બુધવારના રોજ હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. એવામાં આજે અને આવતીકાલના બે દિવસ ફરી રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.