માતાએ જ પોતાની દીકરીનું ગળું દબાવી કરી નાખી હત્યા અને પછી….
ભરૂચ સિવિલ હોસ્પિટલથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજતા ડોકટરને શંકા જતા તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતા જ તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એવામાં પોલીસ તપાસમાં એવો મોટો ખુલાસો થયો કે, સગી માતા દ્વારા જ પાંચ વર્ષીય બાળકીનું ગળુ દબાવી દીકરીની હત્યા કરવામાં આવી હતી.
ઘટનાની વાત કરવામાં આવે તો ભરૂચની કોર્ટ રોડ પર આવેલા એકતાનગરની પાછળ આવેલા રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં પરપ્રાંતીય પરિવાર રહે છે. આ પરિવારની પાંચ વર્ષીય બાળકી અંશુ ચૌહાણ તેના કાકા ટુવ્હીલર પર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. તે સમયે હાજર તબીબ દ્વારા અંશુ મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે તેના મોતને લઈને શંકા જતા સિવિલ હોસ્પિટલના તબીબ દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
સિવિલના તબીબને શંકા ગઈ હતી કે, અંશુ ચૌહાણનું મોત ગળું દબાવીને કરવામાં આવી છે. શંકા થતા પોલીસ દ્વારા બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. તેમાં આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જાણકારી સામે આવી છે કે, દીકરીની હત્યા કોઈ બીજાએ પરંતુ સગી માતા નંદની ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
નંદનીએ પતિ સાથે ઝઘડો થતા તેને પોતાની જ પાંચ વર્ષીય પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હાલમાં પોલીસ દ્વારા હત્યારી માતા સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.