GujaratSouth GujaratValsad

માછલીને ઝાળમાં ફસાવીને પકડવા ગયેલા વૃદ્ધ પોતે જ ત્રણ દિવસ સુધી ટાપુ પર ફસાઈ ગયા

રાજ્યમાં હાલ સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ બન્યો છે. તેમાં વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. એવામાં વલસાડ નજીક આવેલી પાર નદીમાં 65 વર્ષીય વૃદ્ધ ફસાઈ ગયા હતા. તેમનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ અગાઉ આ વૃદ્ધ માછલી પકડવા જતા પાર નદીના વચ્ચે આવેલા ટાપુમાં તે ફસાઈ ગયા હતા. ત્યાં તેમને ત્રણ દિવસ જેમતેમ કરીને પસાર કર્યા હતા. અંતે સ્થાનિકો દ્વારા તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લાના અતુલ પાસે આવેલ પાર નદીમાં ત્રણ દિવસ અગાઉ ચણવઈ ગામમાં રહેનાર 65 વર્ષીય બીપીનભાઈ પટેલ માછીમારી કરવા માટે ગયેલા હતા. પરંતુ અચાનક નદીમાં પાણીમાં વધી જતા તે પાર નદીના વચ્ચે આવેલા ટાપુ પર ફસાઈ ગયા હતા. ત્રણ દિવસ સુધી તે ટાપુ પર તાલપત્રી બાંધીને રહી રહ્યા હતા.

ઘટનાની જાણકારી મળતા સ્થાનિકો દ્વારા લાઈવ સેવા ટ્રસ્ટ ગ્રુપ પાસે મદદ માંગવામાં આવી હતી. તેના લીધે આ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર આવી વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બે કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધને બોટ વડે ટાપુ ઉપરથી બહાર કાઢી લેવાયા હતા.

તેની સાથે ઘટનાની જાણકારી વલસાડ વહીવટી તંત્રને મળતા મામલતદાર સહિત વલસાડ રૂરલ પોલીસ અને પારડી પોલીસ સ્થળ પર દોડી આવ્યા હતા. લાઈવ સેવ ગ્રુપ દ્વારા વૃદ્ધને સલામત રીતે બહાર કાઢી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.