AhmedabadGujarat

રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરાયા, દર્દીઓના પરિવારજનોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તાર ખાતે આવેલ રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામા આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ઘટનાને પે રાજસ્થાન હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયેલા કુલ 106 જેટલા દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં તેમજ નજીકમાં જ આવેલા ઓસવાલ ભવનમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા અને ત્રીજા માળ પર નીચે જ બેડશીટ પાથરીને દર્દીઓને સુવડાવવામાં આવ્યા છે. અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. તો આ સમગ્ર ઘટનામાં દર્દીઓના પરિવારના સભ્યોએ હોસ્પિટલ મેનેજમેન્ટ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે.

દર્દીઓના પરિવારજનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સવારના 3.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં આગ લાગઇ હતી. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવા ને બદલે કોઈ તકલીફ નહિ પડે તેવું ખોટું આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને આગ જ્યારે વિકરાળ બની ત્યારે 6 વાગ્યાની આસપાસ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ મરવાનો નિર્ણય લેવાયો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ આશરે અઢી કલાક સુધી આગને લઇને કોઈ નિર્ણય જ કરી શક્યું નહતું. ને ત્યારપછી બધા દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે ઓસવાલ ભવન ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

ફાયર અધિકારી મિથુન મિસ્ત્રીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, રાજસ્થાન હોસ્પિટલમાં સુંદરતા વધારવા માટે દીવાલો પર લાકડાનું કવર કરવામાં આવ્યું છે. જો આગ વધારે આગળ વધી હોત તો ખૂબ મોટું નુકસાન થઈ શકે તેમ હતું. જો આગ 10 મીટર કરતા થોડી વધારે આગળ વધી હોત તો બ્યુટીફીકેશન માટે દીવાલ પર લગાવેલ લાકડાના કવર પણ ઝપેટમાં આવી જાત.