ઘણી વખત બોલવામાં લોકો એવું બોલી નાખતા હોય છે કે પાછળથી તેનું ખૂબ મોટું પરિણામ ભોગવવું પડતું હોય છે. ત્યારે આવું જ કંઈક ગુજરાત સરકારના એક કરાર આધારિત જોઈન સેક્રેટરી ગુણવંત વાઘેલા સાથે થયું છે. ગુજરાત સરકારમાં કરાર આધારિત જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક થયેલા 66 વર્ષની ઉંમરના ગુણવંત વાઘેલાને એક મહિલા કર્મચારીની બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવી સાથે સરખામણી કરવી ખૂબ ભારે પડી હતી. ત્યારે મહિલા કર્મચારીએ આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરિયાદ કરતા સરકારે ગુણવંત વાઘેલાને પાણીચું પકડાવ્યુ હતું. નિવૃત્તિના 7 વર્ષે ગુણવંત વાઘેલાએ મહેસૂલ વિભાગમાં કરાર આધારિત પોસ્ટિંગ મેળવ્યું હતું. પરંતું તેમની એક કૉમેન્ટને કારણે તેમના પર જાતીય સતામણીની ફરિયાદ થઇ જતા સરકારે તેમને હાલ ઘરભેગા કર્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, ગયા વર્ષે ઓક્ટોબર માસમાં GAS ગુણવંત વાઘેલા નિવૃત થયા હતા. પરંતું પછીથી તેમને મહેસૂલ વિભાગમાં કરાર આધારિત પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી માસમાં ગુણવંત વાઘેલાએ એક મહિલા કર્મચારી સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. મહિલા કર્મચારીની જાતીય સતામણી થાય તે પ્રકારના શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. જેથી મહિલા અધિકારીએ આ મામલે અધિક મુખ્ય સચિવ ACS કમલ દયાણીને ફરિયાદ કરી હતી. આ બાદ ગુજરાત સરકારે આ મામલે પગલા લીધા હતા. મહિલા ડેપ્યુટી SO ની જાતીય સતામણીની ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચતા જ GAS ગુણવંત વાઘેલાને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી.
તમને જણાવી દઈએ કે, ગુણવંત વાઘેલાએ મહિલા કર્મચારીને ‘તારી આંખો શ્રીદેવી જેવી છે’ તેવી ટિપ્પણી કરી હતી. જેને કારણે મહિલાએ તેમના વિરુદ્ધ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરિયાદ કરી હતી. ત્યારે સરકારે ગુણવંત વાઘેલાને તેમનો કરાર પૂરો થાય તે પહેલા જ તગેડી દીધા છે.