GujaratAhmedabad

રાજ્યમાં કમોસમી વરસાદથી મળશે રાહત, હવામાન વિભાગે ગરમીને લઈને કરી મોટી આગાહી

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે. તેની સાથે ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાનો છે. જ્યારે મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો જોવા મળવાનો છે. તેના લીધે લોકોને ગરમી સહન કરવી પડશે. આ સિવાય ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં 15-20 કિમીના પવન પણ ફુંકાવાની શક્યતા રહેલી છે.

તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે. તેની સાથે પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે. તેની સાથે 18 થી 20 માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરાઈ છે.

નોંધનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆત થતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમાં પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ જવાની ભીંતી સેવાઈ રહી હતી. તેની સાથે અમુક વિસ્તારોમાં બરફનાં કરા પણ પડ્યા હતા. આ કારણોસર જીરું, એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની શક્યતા ખેડૂતોમાં સેવાઈ રહી છે.