AhmedabadGujarat

તંત્રની ઉદાસીનતા તો જુઓ, અમદાવાદમાં અત્યંત ગંભીર રીતે જર્જરિત બ્રીજનું સમારકામ પણ મીડિયા રિપોર્ટ પછી તંત્રએ શરૂ કર્યું

ગુજરાતભરમાં હાલ બ્રિજની બનાવટથી લઈને બ્રિજના ચાલી રહેલ સમારકામમાં તંત્ર દ્વારા ખૂબ આળસ કરવામાં આવી રહી છે. જેના મારને બ્રિજની હાલ જર્જરિત થઈ જાય ત્યા સુધી લોકો તેના પરથી જીવન જોખમમાં મૂકીને અવરજવર કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવું જ સામે આવ્યું છે. જ્યાં શાસ્ત્રી બ્રિજ પર સમારકામ કરવામાં નેશનલ હાઇવે ઓથોરિટી ઉદાસીન હોય તેવું જોવા મળ્યું હતું. આ બ્રિજની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે ગમે ત્યારે પડી જાય તેમ છે. ત્યારે મીડિયા રિપોર્ટ બાદ મોડે મોડે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જાગ્યું છે. અને વિશાલા પાસેનો અત્યંત જર્જરિત થયેલો શાસ્ત્રી બ્રિજ એકસાઈડથી બંધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવેલ શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં નેશનલ હાઇવે ઓથોરિટીની ભારે ઉદાસીનતા સામે આવી હતી. જર્જરિત થઈ ગયેલા શાસ્ત્રી બ્રિજનું સમારકામ કરવામાં તંત્રને કોઈ રસ જ ન હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. શાસ્ત્રી બ્રીજ એટલો જર્જરિત થઈ ગયો છે કે તે ગમે ત્યારે પડી શકે છે. આ બ્રીજ પરથી સ્વર જવર કરનારા લોકોનો જીવ જોખમમાં હોવા છતાં તંત્ર દ્વારા ઉદાસીન ગલન અપનાવવામાં આવ્યું હતું. શાસ્ત્રી બ્રિજમાં મોટી મોટી તિરાડો અને ઠેર ઠેર સળિયા પણ બહાર નીકળેલા દેખાઈ રહ્યાં હતા. ત્યારે આ મામલે મીડિયા રિપોર્ટ સામે આવ્યા પછી તંત્રએ નોંધ લઈને એકસાઈડનો બ્રીજ બંધ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, આ બ્રિજની સ્થિતિ હાલ એવી છે કે, અહીં થી જો નાના વાહનો પણ નીકળે તો પણ બ્રીજ પર ધ્રુજારીનો અહેસાસ થાય છે. તે આ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે બ્રીજની હાલત કેટલી ખરાબ છે. ત્યારે હાલ તો તંત્ર દ્વારા એકસાઈડનો બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ મોટા વાહનો આ બ્રીજ પરથી અવર જવર ના કરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી ત્યારે સવાલ થાય છે કે શું તંત્રને લોકોના જીવની કઇ પડી જ નથી?