GujaratMadhya Gujarat

બનાસકાંઠાના શિક્ષિકાએ અમેરિકાથી વીડિયો જાહેર કરીને કર્યો મોટો ખુલાસો

બનાસકાંઠાના દાંતાની પાન્છા શાળામાં શિક્ષિકા આઠ વર્ષથી વિદેશ હોવા છતાં તેમનું નામ શાળાના ચોપડે બોલાઈ રહ્યું હોવાનો એક મામલો સામે આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર ભાવનાબહેન પટેલ દ્વારા વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા જતાં પહેલાં તેમના દ્વારા એનઓસી લઇ લેવામાં આવી હતી. મારી પાસે આ બાબતના પુરાવા પણ રહેલા છે.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠાના દાંતાની પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લાં આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા છે. તેમને ગ્રીન કાર્ડ પણ મળેલ છે. જ્યારે વર્ષમાં એક જ વખત ગુજરાત આવે પણ છે. તેમ છતાં તેમનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલતું હોવાનું સામે આવ્યું છે.  તેઓ વર્ષમાં એક વખત હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ પ્રાપ્ત કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો તેમના પર લાગ્યા હતા. ત્યાર બાદ તંત્ર દ્વારા આ મામલામાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

જ્યારે આ બાબતમાં ભાવના પટેલ દ્વારા એક વિડીયો જાહેર કરીને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના દ્વારા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે હું નીકળી તે સમયે મેં જિલ્લા પંચાયતમાંથી એનઓસી લઇ લીધી હતી. ત્યાર બાદ અમેરિકાની મેં પ્રોસેસ કરી હતી. વિઝા માટે પણ એનઓસીની જરૂરીયાત હતી, એટલા માટે તે સમયે પણ એનઓસી લીધી હતી. મણે બધી જગ્યાએથી એનઓસી આપવામાં આવી છે. અને તેમ છતાં મારી પાસે તેને લઈને પુરાવા રહેલા છે. તમે જાતે તપાસ કરી શકો અથવા હું જ્યારે ત્યાં આવીશ તે સમયે તમામ પુરાવા રજૂ કરીશ.

આ બાબતમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પારુલબહેન મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શિક્ષિકા અંગે તેમના દ્વારા તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ જાણ કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા આ શિક્ષિકા  સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. શાળાના બાળકો તથા ગામના વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘આ બહેન ઘણાં વર્ષો સુધી શાળામાં આવેલ જ નથી.’ બાળકોના જણાવ્યા મુજબ, તેઓ ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમને જોયા હતા અને આજે પાંચમા ધોરણમાં ભણતા હોવા છતાં બહેનને અહીં જોયા નથી.

આ મામલામાં બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી.