બિપોરજોય વાવાઝોડા બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાના લીધે ગુજરાતીઓને ગરમીમાંથી મુક્તિ મળી ગઈ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, હાલમાં ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. અમદાવાદમાં આગામી અઠવાડિયામાં વરસાદની કોઈ શક્યતા રહેલી નથી.
તેની સાથે કેરળમાં ભલે ચોમાસું બેસી ગયું હોય પરંતુ ગુજરાતમાં હજુ ચોમાસું બેસયુ નથી. કેમકે અત્યાર સુધીનો જ વરસાદ હતો તે વાવાઝોડાના લીધે રહ્યો છે. જ્યારે હજુ ચોમાસા માટે લોકોને રાહ જોવી પડશે. જ્યારે અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેવાનો છે. જ્યારે છુટોછવાયો વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે. જ્યારે આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા તે પણ જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરીથી 38 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેલી છે. એવામાં અમદાવાદવાસીઓને હવે આગામી અઠવાડિયા સુધી વરસાદની રાહ જોવી પડશે. તેમ છતાં અમદાવાદમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ બન્યું રહેશે. કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે.