અમદાવાદમાં એક ઘર એવું છે જે 365 દિવસ રાષ્ટ્રધ્વજથી ઘેરાયેલું રહે છે, જાણો કોણ છે આ ઘરના માલિક
આજે ભારતે આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે અને દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગરૂપે સરકારે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા લહેરાવવા લોકોને આહવાન કર્યું છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મેરી માટી મેરા દેશ અંતર્ગત રસ્તા ઉપર સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા નીકળી છે પણ અમદાવાદનું એક ઘર એવું છે જ્યાં દરરોજ તિરંગા જોવા મળે છે.
અમદાવાદ (Ahmedabad) ના વેજલપુર વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર તૃપ્તિ ગોર (Trupti Gor) એ તેમનું આખું ઘર “રાષ્ટ્રધ્વજ” ની થીમ પર ડીઝાઈન કર્યું છે. તેમના ઘરમાં દીવાલો, સોફા, ટેબલથી લઈને તમામ વસ્તુઓ રાષ્ટ્રધ્વજ ના રંગોથી પ્રેરણા લઈને ડીઝાઈન કરવામાં આવ્યા છે. ૪૧ વર્ષીય તૃપ્તિ ગોર ઘણા વર્ષોથી સમાજ સેવામાં જોડાયેલા છે. દેશભક્તિ પોતાના કાર્યો સિવાય તેમના ઘરમાં પણ દેખાય તે હેતુથી તેમને પોતાનું ઘર તિરંગા થીમ પર ડીઝાઇન કરવાનો વિચાર આવ્યો.
તૃપ્તિ ગોર (Trupti Gor) ના કહેવા મુજબ, આ ડીઝાઇન ના કારણે તેમના ઘરે આવતા લોકોનો સબંધ પણ રાષ્ટ્રધ્વજ સાથે ગાઢ બને અને દેશપ્રેમની ભાવના જાગે જેથી સૌને દેશ માટે કામ કરવાની પ્રેરણા મળતી રહે.
આ ઉપરાંત તૃપ્તિ ગોર એ સામાજીક કાર્યો માટે “માય સેલ્ફલેસ એક્ટ” નામની એપ પણ બનાવી છે જેમાં અનેક સામાજીક કાર્યકરો જોડાયેલા છે. તૃપ્તિ ગોર ના જણાવ્યા મુજબ આ એપ બનાવવા પાછળનો હેતુ એક એવું વિશ્વ બનાવવાનો છે જ્યાં દરેક લોકો નિ:સ્વાર્થ ભાવે લોકોને મદદ કરે. આ એપમાં જોડાઈને લોકો તેમના સામાજીક કાર્યો વિશે અન્ય લોકોને જણાવી શકે છે જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે.