AhmedabadGujarat

DYSP એ ભૂમિકા ભજવતા તથ્ય પટેલ પર નહોતી થઈ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત બુધવારના રોજ મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ અકસ્માતના આરોપી તથ્ય પટેલ અને સ્થળ પર જઈને લોકોને ધમકાવનાર તેના પિતાની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે. તથ્ય પટેલે થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના એક કેફે ની દીવાલમાં પોતાની કાર ઘુસાડી દીધી હતી. અને આ મામલે એક DYSP એ સમાધાન કરાવીને તથ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવા દીધી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ફુલ સ્પીડમાં ગાડી ચલાવીને પોતાની જેગુઆર કાર નીચે 9 લોકોના જીવનને કચડી નાખનાર તથ્ય પટેલે સિંધુભવન રોડ પર બે અઠવાડિયા પહેલા પણ એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે પોતાની થારને એક કાફેની દિવાલ માં ઘુસાડી દીધી હતી. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા તેના ફૂટેજ પણ સામે આવ્યા હતા. અને આ અકસ્માતના પગલે  તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેના કાકા બંને તે જ દિવસે સિંધુ ભવનના કેફેમાં પહોંચ્યા. આ દરમિયાન મોન્ટુએ સૌરાષ્ટ્રમાં ફરજ પર હાજર DYSP ને ફોન કર્યો હતો. અને બાદમાં તેમણે તરત જ આ મામલે પોલીસ ખાતામાં કામ કરતા તેમના ખાસ માણસને કાફેમાં મોકલી દીધો. જ્યાં તેણે કેફે ના માલિક સાથે વાતચીત કરીને સમાધાન કર્યું હતું. અને તથ્ય પટેલ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહતી. જો સૌરાષ્ટ્રમાં ફરજ નિભાવી રહેલા DYSP એ સિંધુભવન વાળા કેસમાં પોતાની ભૂમિકા ભજવી હોત તો કદાચ ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ અટકાવી શક્યા હોત.

નોંધનીય છે કે, ઇસ્કોન બ્રીજ પર થયેલા ગોઝારા અકસ્માતને લઈને હાલ તો તપાસ ચાલી રહી છે. તો આ કેસમાં આરોપી તથ્ય પટેલ હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે આ બધા વચ્ચે તથ્ય પટેલે સિંધુભવન પરના કેફની દીવાલમાં પોતાની થાર ઘુસાડી દીધી હોવાના કેસમાં DYSP એ ભૂમિકા ભજવીને તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવા દીધી ન હતી. જો તે વખતે પોલીસ ફરિયાદ થઈ હોત તો કદાચ ઇસ્કોન બ્રીજ પર મોડી રાત્રે જે અકસ્માત સર્જાયો તે ના થયો હોત.