અમદાવાદમાં શટલ રિક્ષાનો ઉપયોગ કરીને પરિવહન કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ગત રોજ એક પરિણીતા શટલ રિક્ષામાં બેસી ત્યારે રિક્ષામા બેસેલી બે મહિલાએ આ પરિણીતાને કેફી દ્રવ્ય સુંઘાડયું હતું. જેના કારણે પરિણીતા અર્ધ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાફ આ બનેં મહિલાઓએ પરિણીતાએ પહેરેલ સોનાની 2 બંગડી ચોરીને ભાગી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરદારનગર વિસ્તાર ખાતે આવેલ આંબાવાડી ચાર રસ્તા નજીક વસવાટ કરતી દૃષ્ટિ લાલવાણીએ 2 અજાણી મહિલા વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, દૃષ્ટિ તેના બે સંતાન ત્રિશા અને દક્ષને લઈને ગઈ કાલે સાંજના સમયે શાક માર્કેટ જવા માટે રિક્ષામાં બેઠી હતી. ત્યારે રિક્ષામાં પહેલેથી જ બેસેલી બે મહિલાઓમાંથી એક મહિલા દૃષ્ટિના હાથ પર પોતાનો હાથ ફેરવવા લાગી. જેથી દ્રષ્ટિએ પેલી મહિલાને સરખી રીતે બેસવા માટે કહ્યું હતું. ત્યાર પછી મહિલા તેની સાડીનો પલ્લુથી પવન નાખતા નાખતા કહેવા લાગી કે ગરમી બહુ છે. અને ત્યારપછી દૃષ્ટિને અચાનક ઝોકાં આવતા તે અર્ધ બેભાન થઇ ગઇ હતી.
નોંધનીય છે કે, થોડા સમયમાં જ સરદારનગર આવી જતાં દૃષ્ટિ તેના બાળકોને લઇને રિક્ષામાંથી નીચે ઊતરી ગઇ હતી, જ્યારે રિક્ષાચાલક પેલી બંને મહિલાઓને લઇને જતો રહ્યો હતો. રિક્ષામાંથી નીચે ઉતર્યા પછી પણ દ્રષ્ટિને ચક્કર આવતાં તે ત્યાં રોડ પર જ નીચે બેસી ગઇ હતી. તે દરમિયાન રોડ પર ત્યાં જ હાજર એક મહિલાએ દૃષ્ટિને તેના ઘરનું સરનામું પૂછીને બાદમાં દ્રષ્ટિ અને તેના બાળકોને ઘરે મૂકી આવી હતી. અને ત્યારબાદ ઘરે મુકવા આવેલ મહિલાએ દૃષ્ટિના પતિને ફોન કરીને જણાવ્યું કે દ્રષ્ટિને ચક્કર આવે છે. ત્યારે દૃષ્ટિનો પતિ તાત્કાલિક ઘરે આવી ગયા અને આવીને જોયું કે દ્રષ્ટિએ હાથમાં પહેરેલી સોનાની બંગડી ગાયબ હતી. ત્યારે દ્રષ્ટિએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામળે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.