AhmedabadGujarat

ટ્રાફિક નિયમો તોડતા પહેલા સો વખત કરજો વિચાર, ડિજીપીએ તમામ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવવા આપ્યો આદેશ

ગત બુધવારની મોડી રાત્રીએ અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પટ થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોનું મોત નીપજ્યું હતા. જેમાં 19 વર્ષની ઉંમરના આરોપી તથ્ય પટેલ અને તેના પિતાની ધરપકડ કરી હતી. આ અકસ્માતને કારણે રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે આ અકસ્માતને કારણે સરકાર પણ હવે સફાળી જાગી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર ગત બુધવારની મોડી રાત્રીએ થયેલા ગોઝારા અકસ્માતના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે આ બધા વચ્ચે રાજ્યના ડીજીપીએ એક ખાસ આદેશ આપ્યો છે. એક મહિના સુધી રાજ્યના બધા જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ,પિયુસી, લાયસન્સ, આર.સી બુક વિના કે પછી ઓવર સ્પીડમાં વાહન ચલાવતો હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યના ડિજીપીએ આપેલ આદેશ અનુસાર રાજ્યમાં એક મહિનો ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવશે. ત્યારે જો તમે પણ પિયુસી, આર.સી.બુક, લાયસન્સ કે હેલમેટ વગર જ વાહન ચલાવતા હોય તો ચેતી જજો. કેમ કે જો તમે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ટ્રાફિક પોલીસના હાથે ઝડપાઇ જશો તો ફરજીયાત દંડ ભરવો પડશે. આ માટે કોઈ પણની ભલામણ ચલાવવામાં આવશે નહીં.